Real stories

અગલે જન્મ મોહે બિટીયા ન કીજો

એક દિવસ સવારના નવ વાગ્યમાંજ મારી ખાસ સહેલીનો ફોન આવ્યો ,મેં પૂછ્યું કેમ સવાર સવાર માં કામ પર નથી જવાનું?તો કહે એક ખુબ આનંદ ના સમાચાર આપવા તને ફોન કર્યો છે. મારા દીકરા આકાશને ત્યાં ટ્વિન્સ દીકરો દીકરી આવ્યા છે.આજે તો હું એટલી ખુશ છું !!!!!ભગવાનની મારા પર અસીમ કૃપા વરસી છે.!!તેના દીકરાની વહુ ને કોઈ શારીરિક પ્રોબ્લેમ હતો એટલે સેરોગસી દ્વારા બાળક જન્મ્યા હતા.આકાશ ના બાળકોના સમાચાર જાણી ને મને ખુબ આનંદ થયો પણ તેજ વખતે મને મારા મધીમાસી ની યાદ આવી ગઈ.!!!મધુમાસી આમ તો મારા મોટા કાકી ની સૌથી નાનીબેન અને તે પણ ફોઈ ની દીકરી,મારા કાકી ના માતાપિતા કાકી નાના હતાં ત્યારેજ ગુજરી ગયેલ એટલે તેમના ફોઈ-ફુઆએ જ તેમને ઉછેર્યા અને પરણાવ્યા
એટલે ફોઈની દીકરી પણ સગી બહેન જ સમજીલો. ફોઈને પણ છ દીકરી ને એક સૌથી મોટો દીકરો,પણ ફોઈ -ફુઆને દીકરીઓ જરાય વધારાની નહિ ,જાનથીયે વધારે વ્હાલી. સૌથી મોટી સુભદ્રા ને સૌથી નાની મધુ બન્ને વચ્ચે 17 વર્ષનો ગાળો,મધુ સૌથી નાની અને બધાની સૌથી લાડકી,મીઠી મધ જેવી મધુ ને પ્રેમથી બધા મધી કહેતા. ફુઆ વિરમગામ રહેતા અને ઉનાળાના વૅકેશનમાં મારા કાકી ને તેમની દીકરીઓ પણ વિરમગામ જતા.મારા મામા,માસી અમદાવાદમાંજ રહે એટલે એક દિવસ હું પણ જીદ કરી કાકી સાથે વિરમગામ ગઈ. હું ને મધીમાસી સરખી ઉંમરના એટલે મને તો એમની જોડે ખેતર માં રમવાની ને,આંબા પર ચડીને કેરીઓ તોડવાની ,કૂવે ન્હાવા જવાની ખુબ મઝા પડી ગઈ.ફુઆ કામથી મહિને બેવાર અમદાવાદ આવે તો મધીમાસી પણ મારી સાથે રમવા આવે અને મારે ઘેર જ રહે.અમારી દોસ્તી પછી તો ખુબ પાકી થઈગઈ.ફુઆ પણ કામથી કે દીકરીઓ ના વટ વહેવાર માટે આવે તો અમારે ઘેર અચૂક ચા પીવા આવે!!
મારી માં એટલે હાલતું ચાલતું લગ્નબ્યુરો,અને સમાજ માં આગળપડતું સ્થાન ધરાવે ,પપ્પા પણ સમાજસેવક અને અનેક ટ્રસ્ટોમાં ટ્રસ્ટી એટલે અમારા ઘરમાં લોકોના અનેક પ્રોબ્લેમ સોલ્વ થતાં।ફુવાના દીકરાને પણ ત્રણ દીકરીઓ એટલે તેઓ દરેક દીકરીઓના વિવાહ કે કંઈ પણ મુશ્કેલી માં મારા માતાપિતા ની સલાહ લેતા.હવે તેમની સૌથી મોટી દીકરી સુભદ્રા ને લગ્ન ને બારેક વર્ષ થયા પણ બાળક નહિ.માં તેમને ઘણા ડોક્ટર પાસે લઇ ગઈ પણ કાંઈ શકય બન્યું નહિ ,આ બાજુ સુભદ્રા માસી ના સાસુએ તેમનું જીવવું હરામ કરી દીધું હતું. સવારે ઉઠતાં સાથેજ જ્યાં લોટો પાણી ને દાતણ ખાટલે આપવા જાય એટલે હીરાબા માસી ને ભાંડવાનું ચાલુ કરી દે “સવાર પડતાં આ વાંઝણી નું મોઢું જોયું તે આખો દિવસ ખરાબ જશે !!તારું કાળું મોં લઈને અહીંથી જા !!!મારો ને મારા દીકરાનો ભવ બગાડ્યો !!મૂઈ અહીં થી એના બાપના ઘર ભેગી થાય તો મારા દીકરામાટે બીજી વહુ લાવું !!કમજાત ટળતી નથી અને મારું લોહી પી ગઈ.!” બિચારા માસી ગાળો સાંભળી સાંભળી ને રડી રડી અડધા થઇ ગયા હતાં. બાર વર્ષ નું લગ્નજીવન ને પિતાના ત્યાં હજી બીજી દીકરીઓ પરણાવવાની ત્યાં પોતે સૌથી મોટી દીકરી થઇ પિતાને ઘેર પાછી કેવીરીતે જાય!!!

એક દિવસ સુભીમાસી અમારે ઘેર આવ્યા ,ખૂબ રડ્યા ,મારા માતાપિતા એ સમજાવ્યા પણ તે કહે હવે તો મોટીબેન મારી સહનશક્તિ ની હદ આવી ગઈ છે મને કંઈ રસ્તો બતાવો નહીંતો હું કૂવો હવાડો પૂરું !!!મારા મમ્મીપપ્પા તેમના સાસુ ને મળવા સરસપુર તેમના સાસરે ગયાં,પપ્પાએ તેમની સાસુ ને કીધું “બા તમારી દીકરી ને આવું થયું હોય તો શું કરો?સુભદ્રા કેટલી ડાહી ,સુન્દર ને સુશીલ છે,તેણે તમારું ઘર ઉપાડી લીધું છે ,તેને બાળક નથી એમાં તેનો શું દોષ?આપણે એનો પણ રસ્તો કરીએ.!!તેની બહેન સવિતા ને ત્રણ દીકરા છે તેના હમણાં જન્મેલા દીકરા ને તમે દત્તક લઈલો,સવિતાને હું વાત કરીશ ,મને ખાતરી છે કે સવિતા ના નહિ પાડે”પણ હીરાબા માને તો હીરાબા શાના? એતો મમ્મી પપ્પા ને પણ ભાંડવા માંડ્યા!!મારા દીકરામાં કંઈ ખોટ નથી ,હું પારકા જણ્યાં ને મારે ત્યાં શું કામ ઊછેરું ?મારે તો મારું જ લોહી જોઈએ,કુલદીપક વગર મારો વંશવેલો આગળ ન વધે !! મને સમજાવવા આવ્યા છો તો તમારી છોકરી ને લઇ ને નીકળી જાઓ મારા ઘરની બહાર !!!!હું તો મારા દીકરાને બીજે પરણાવીશ ,ફારગતીના (ડિવોર્સ ) કાગળિયા મોકલીદો એટલે હું મારુ કામ કરું.સુભિમાસી તો તેમની સાસુ હીરાબા અને પોતાના પતિ જ્યંતિલાલ નેપગે પાડવા લાગ્યા કે હું બે રોટલી ખાઈશ ને તમારે ઘેર પડી રહીશ ,મને આ ઘરમાંથી કાઢી ના મૂકો !!!પણ તે રાત્રે તો પપ્પા માસીને લઈને જ પાછા આવ્યા !! જ્યંતિલાલ ને પણ સુભીમાસી માટે પ્રેમ તો હતો ,તે માસી ને ક્યારેય કાંઈ કહેતા નહિ પણ જમ જેવા જબરા અને સખ્ખત કડક હીરાબા સામે તેમનું કંઈ ઉપજતું નહિ.અંદરખાને પોતાને પણ બાળક ની ઈચ્છા પણ ખરી !!

આ વાત ને મહિનો થયો હશે ને હું કોલેજ થી ઘેર આવી તો મારુ આખું ઘર ભરેલું હતું।આમ તો અમારે ઘર ભરેલું હોય તે નવાઈ નહોતી પણ હું સાયકલ મૂકતી હતી અને ઘરમાંથી રડારોડ બહાર સંભળાવા લાગી ,હું ગભરાયેલ ,દોડતી અંદર ગઈ તો ડ્રોઈંગરૂમમાં કાકી ના ફુઆ -ફોઈ ,બધી દીકરીઓ મારા કાકા કાકી ,પપ્પા -મમ્મી અને સુભિમાસી બધા રડમસ ચહેરે કોઈ ચિંતાજનક ચર્ચા કરતાં હતા.મારા સુધારક વિચારશરણી ધરાવતા માતાપિતા ફુવા ની વાત સાથે જરાપણ સહમત ન હતા ,મારી માં ગુસ્સાથી લાલચોળ અને તેની આંખો રડીને લાલઘૂમ હતી.!!!!હું પરિસ્થિતિ પામીને સીધી રસોડામાં ગઈ તો ત્યાં મેં મધીમાસીને જોયા,હું કાંઈ બોલવા જાઉં તે પહેલા તો તે મને વળગી ને પોક મૂકીને રડવા લાગ્યા!!સદાય હસતાં ,મીઠા મધુ માસી ને મેં ક્યારેય રડતા જોયા નહોતા!!સૌથી નાના ને સૌ ના વ્હાલા મધુમાસી ને વસ્તુ માંગે તે પહેલા જ મળી જતી એટલે તેમને રડવાની જરૂર જ નહોતી પડી.તેમને હીંબકે ચડેલા જોઈને હું તો ડઘાઈ જ ગઈ.!!માં એ મારી પાસે બહાર બધાં માટે પાણી મંગાવ્યું.મેં પાણી ની ટ્રૅ મૂકી ત્યારે ફુઆ દાદા બોલ્યાં ‘બહેન તું મને કહે છે પણ હું બેબસ છું!’
હીરાબા કહેછે “મધુ ના લગ્ન જ્યંતી જોડે કરાવો નહિ તો સુભી ને લઈજાવ તમારે ઘેર ,હું ય જાણું છું કે મધુ તો હજુ નાબાલિક છે પણ મારે ક્યાં તેની જોડે કપડાં ધોવડાવવા છે.!!!ઘરનું,મધુનું ,જયંતિ નું વટવહેવાર બધું તો સુભદ્રા જ સંભાળશે ,મધુ ને તો જયંતિ જોડે સુવાનું જ છે !!! કાલ ઉઠી ને મધુ ને દીકરો આવશે તોય હું સો વર્ષની બેઠી છું ને એને તો રાજરાણી થઈને રાજ કરવાનું છે મારે ઘેર ” એટલું બોલતાં બોલતાં ફુઆ પણ છૂટાં મોં એ મારી મધી….. કહીને રડી પડ્યા !!!! આ સાથે મારી માં ,કાકી ને બધી જ માસીહીબકે ચડી!!! હું પણ મઘી માસી ને ના …ના ….ના કરતી વળગીને રડતી હતી.!!!!

વજ્ જેવી છાતી ધરાવતા અને પ્રાણથી પણ વધુ વ્હાલા પિતાને બેસહાય બાળકની જેમ રડતા સાંભળીને મધીમાસી પોતાની જાતને સ્વસ્થ કરી આંખો લૂછી ડ્રોઈંગ રૂમ માં દોડી ગયા !!પિતાના બરડા પર હાથ પ્રસરાવતા બોલ્યા “તમે કોઈ રડશો નહીં ,હું મારા સુભીબેન માટે આટલું પણ ના કરી શકું?હું એમની સાથે રહેવા તૈયાર છું.”ભારે હૈયે બધાં વિખરાઈ ગયાં,પણ બધાના દિલ ને દિમાગ અશાંત હતાં।

તે રાત્રે અગાશીમાં હું માં ની બાજુમાં પથારીમાં સૂતી હતી. અડધી રાત્રે મને સપનામાં દેખાયું મધીમાસી લાલ પાનેતરમાં છે અને સુભીમાસી રૂમમાં તેમને મોકલી રહ્યા છે ,જતા જતા બંને બહેનો એકબીજાને ભેટીને ખૂબ રડે છે. રૂમ માં જતાં જતાં જાણે બકરી ને કસાઈ પાસે લઇ જતા હોય ત્યારનું વધેરાઈ જવાની ભયાનકતા સાથેનું બકરીનું ધ્રુજવું ,તેની આંખોના બેબસ આંસુ સાથેનું દયાજનક આક્રંદ અને પોતાનું જેટલું જોર હોય તે સાથે જમીન સાથે જકડી રાખેલ પગ !!! – મને મધીમાસી ની હાલત આ બકરી જેવી દેખાઈ-હું જોરથી ચીસ પાડીને ઉઠી માને વળગી ને જોર જોર થી રડવા લાગી !!
માં જાણે મારુ મન સમજી ગઈ અને એ આખી રાત હું માને વળગીને તેની સાથે જ સૂઈ ગઈ.!!!આખી રાત મા મારા માથે હાથફેરવતી રહી!!

બીજે અઠવાડિયે સમાચાર આવ્યા કે મધીમાસીને તેમનાથી પચીસ વર્ષ મોટા જ્યંતિલાલ સાથે વળાવી દીધા આ સાથેહીરબાની વંશવેલો વધારવા માટે ની જીદ પુરી થઇ અને મધુની જુવાની નંદવાઈ ગઈ !!!!મારી વહાલી મધીમાસીના યુવાની ના સપના ચૂરચૂર થઈ ગયા!!!બરાબર નવ મહિના પછી કોલેજ થી પાછી આવી તો ડાઈનીગ ટેબલ પર પેંડા નું ખોખુ પડ્યું હતું તેની પર લખ્યું હતું “જયંતિલાલ ના દીકરા ના આગમન ના આનંદ ની વધામણી”…….

જીગીષા