Uncategorized

ઓ સાથી રે….

સીનિઅર સિટીઝનનું એક ગ્રુપ મેકસીકોના કેનકુનના દરિયા કિનારે ઢળતી સંધ્યાએ હળવા પવનની લહેરને માણતું, ટોળટપ્પા કરતું ,એકબીજાની કંપની માણી રહ્યું હતું.એટલામાં બટકબોલી જાનકીઆવી, ચાલો ,ચાલો એક સરસ રમત રમાડું.દરેક વ્યક્તિએ કે યુગલે એક પછી એક આગળ આવી પોતાના પાર્ટનર અંગે થોડું કંઈપણ કહેવાનું,તમે ગીત ગાઈને,વાત કરીને કોઈપણ રીતે તમારા જીવન સાથી અંગે કહી શકો. ચાલો હું મારાથી જ શરુ કરું.એ કંઈ બોલવા જાય ત્યાં જ એનો ઉત્સાહી પતિ આવી તેનો હાથ પકડી ગાવા લાગ્યેા.

“તુઝે જીવનકી ડોરસે બાંધ લીયા હૈ બાંધ લીયા હૈ,

તેરે જુલ્મ ઓર સિતમ સર આંખો પર”

ને જાનકીએ પણ શરમાતા શરમાતા ગાયું..

“મૈંને બદલેમેં પ્યારકે પ્યાર દિયા હૈ પ્યાર દિયા હૈ 

તેરી ખુશીયાં ઔર ગમ સર આંખો પર……”

તેમનું આ પ્યારભરું ગીત સાંભળી બધા ખુશ થઈ તેમની વાહ વાહ કરવા લાગ્યા અને જાનકી શરમાઈને બેસી ગઈ.ત્યાં જ બાજુમાં બેઠેલ અરુણાબેન તેમના પતિ આનંદભાઈ સામે આંખ મિચકારી ઊભા થયા અને બોલવાની શરુઆત કરી.

“જુઓ જુઓ આમ ! શીખો કંઈ આ લોકો કેવો પ્રેમ કરે છે……તમે કોઈ દિવસ  આવું કીધું મને? સવાર પડે અને ફોન લઈને બેસી જવાનું .ચા પીતા કે જમતા સમયે પણ મારી સાથે હસીને બે વાત કરવાની હોય છે તમારે?”

ત્યાં જ આનંદભાઈએ કીધું “તારી પાસે કલ્પનાબેન,પ્રજ્ઞાબેન  અને ગીતાબેન સિવાય કોઈની વાત હોય છે?” 

“હા …….હા ….હા તે કરું જ ને તેમની વાત,આ જૂઓ અમારા રઘુભાઈ -કલ્પુ,કલ્પુ કરતાં જાય અને બધુ કલ્પનાબેનનું માનતા જાય અને કલ્પનાબેન જે પોઝમાં કહે તેમાં તેમના ફોટા ને વિડીયો પાડતા જાય.મારો એક ફોટો પાડવાનું તમને કહું ને તોય

 “હવે આ ઉંમરે તારે ફોટો પડાવીને શું કામ છે?અને ઉપરથી ‘ઘરડી ઘોડી લાલ લગામ ‘કહીને ઊભા રહો છો.

આ શરદભાઈ જૂઓ દરેક પાર્ટીમાં પ્રજ્ઞાબેનની આંખોમાં આંખ પરોવી મજાનું ગીત ગાય અને હાથોમાં હાથ નાંખીને ડાન્સ કરે.તમે કોઈ દિવસ મારી સાથે ગીત ગાઈને ડાન્સ કર્યો છે? અને મારા ગીતાબેનના સુભાષભાઈ તો ગીતાબેનને હની હની કરતાં જાય ને ગીતાબેનના વખાણ કરતાં જાય .લો બોલો એક દિવસ મારા વખાણ કે સારી વાત મારી બહેનપણીઓને કરી છે? આમ કહી અરુણાબેન તો રિસાઈને જેવા ચાલ્યા ત્યાં તો આનંદભાઈ એમના પોતાના જ હાથથી પોતાના વાળ વિખેરી ,રેતીમાં ઘૂંટણિયે પડી બેસી ગયા અને પોતાના નવાજ શર્ટના બે બટન ખેંચીને તોડી નાંખ્યા ને રડતાં અવાજે મોટેથી શર્ટ ખેંચી છાતી ખુલ્લી કરી સંજીવકુમારની અદાથી ગાવા લાગ્યા

“હો ……….ખિલૌના જાન કર તુમ તો ……….મેરા દિલ તોડ જાતે હો……..

મુઝે ઈસ હાલમેં કીસકે સહારે છોડ જાતે હો……..”

બધાંએ તેમને પેટ પકડીને હસીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા અને અરુણાબેન પણ

તેમને પ્રેમથી ભેટી પડ્યા. હવે વારો હતો ભટ્ટ સાહેબનો .તેમનો અવાજ ખૂબ સરસ અને તે હંમેશ મિત્રો ભેગા થાય એટલે ગીત  ગાય.આજે પણ તેમણે તેમના ગુમાવેલ હમદર્દ ને યાદ કરીને  ગાવાનું શરુ કર્યું 

“ઓ સાથી રે…… તેરે બીના ભી કયા જીના……ઓ સાથી રે……ફૂલોમેં,કલીયોમેં,સપનોકી ગલીયોમેં…..તેરે બીના કુછ કહી ના …….ઓ સાથી રે……હર ઘડકનમેં …….પ્યાસ હૈ તેરી………સાસોં મેં ….તેરી ખુશ્બુ હૈ……”

આટલું ગાતા ગાતા તો એમનો અવાજ ભરાઈ ગયો…………જાનકીબેને તેમને પાણી આપ્યું અને ભટ્ટ સાહેબે જરા સ્વસ્થ થઈને બોલવાનું શરુ કર્યું.

તેમની વાત  સાંભળતા ચારેકોર શાંતિ પથરાઈ ગઈ……..તેમની જીવનસંગીનીને યાદ કરી તેમણે કીધું, “આજે સખી ની વિદાયને ચાર વર્ષ વીતી ગયા પણ મારી એકપણ સવાર ,સાંજ,બપોર કે રાત તેની યાદ વગર વીતતી નથી.(નામ તો એનું કૌમુદી હતું પણ ભટ્ટ સાહેબ તેને સખી કહેતા)

વેદાંત,ગીતા અને શાસ્ત્રોની બધી વાત મને ખબર છે.આપણે એકલા આવ્યા છે ને એકલા જ જવાનું છે પણ ….પણ સાઈઠ સાઈઠ વર્ષ સુધી જેની સાથે એક ઓશીકે સૂતા હોય …….જેના શરીરની સુગંધ હજુ મારા નાકમાં ભરાએલ હોય……જેના અવાજનો આભાસ સતત મારા કાનમાં ગુંજતો હોય……તેનો સુંવાળો સ્પર્શ પથારીમાં પડતા જ મારું શરીર અનુભવતું હોય ,હું રોજ સપનામાં તેની સાથે વાતો કરતો હોઉં છું.

“આજે તો પુત્રવધુએ મારી ભાવતી મીઠાઈ મને એક જ આપી અને કીધું ,બસ ડેડી ,હવે બીજી નહી ,સુગર છે ને તમને ! અને મને એટલું ખરાબ લાગ્યું. “ સખી સાથે ગાળેલ વર્ષોની એક એક ખાટી મીઠી યાદોં પવનની લહેરખી ની જેમ મને વિંટળાએલ હોય તેને કેમ કરી અળગી કરવી??? દરિયા કિનારે તે મારી સાથે જ ચાલતી હોય છે અને પર્વત પર ચડતો હોઉં ત્યારે મને પથ્થરની ઠેસ ન વાગે તે માટે ધ્યાન રાખવા કહેતી હોય છે ,અને બજારમાં શૉપિંગ  કરતો હોઉં તો અરીસામાંથી મને કહે છે”સખા,કેટલી વાર કીધું ,આ પીરોજા કલર તમને જરા પણ સારો નથી લાગતો”.

નિસાસો નાંખી ભટ્ટસાહેબ બોલ્યા”પાછલી જિંદગી એકલા એકલા ગુજારવી ખૂબ અઘરી  છે.તમારા જેવા મિત્રોના સાથથી જ સમય થોડો આનંદમાં જાય છે.એ તો જેને વીતે તેને જ સમજાય.ત્યાં તો આંખોમાં આંસુ સાથે રોહિણીબેન ઊભા થયા ને કહે “ભાઈ,હું પણ તમારા જેવો જ અનુભવ કરુછું એટલે મને તમારી વાત બરોબર સમજાય છે.”અને એમ કહી ભટસાહેબને હાથ પકડી પોતાની બાજુમાં બેસાડી દીધા.

ત્યાં જ નીરુબેનનો વારો આવ્યો .તે પણ એકલા જ હતાં .તેમણે જે વાત કરી તે બધાં સાંભળતા જ રહી ગયા.મારે પણ ગાવાનું છે… “ઓ સાથી રે તેરે બીના ભી…….ક્યા(ખૂબ)જીના……

અને એમણે વાત શરુ કરી.સત્તર વર્ષની બાલી ઉંમરમાં કંઈ સમજ પડે તે પહેલા મારા લગ્ન થઈ ગએલા.ખૂબ રૂઆબદાર ,ખૂબ ભણેલા ,મોટા વકીલ હતા મારા પતિ.સવારમાં તેમની ચા પછી નાસ્તો, પછી તેમના કપડાં ને રુમાલ આપી ,જમવાનું તૈયાર રાખવાનું. જો પીરસવામાં કંઈ ભૂલ થાય તો નોકરો ને મારા પર ઘાંટાઘાંટ .બાળકોને ઘરનાં બધા તેમનાથી ખૂબ બીવે. સાંજે પણ ઘેર આવે કોર્ટમાંથી એટલે તેમને વાંચવાનું હોય ,ઘરમાં એક પણ અવાજ ન ચાલે.તેમના મહેમાન સામે પણ મારું અપમાન કરે.અમને જોઈએ એટલા પૈસા,કપડાં,મોટરગાડી ,સુખ સગવડ આપે અને દેશ-પરદેશ ફેરવે પણ પ્રેમ જેવી કોઈ વસ્તુ જ નહી.ક્યારેક ભરબપોરના  તડકામાં એકસાથે લારી ખેંચીને ,અડીને બેસીને ,એક થાળીમાંથી રોટલો અને કાંદો ખાતા લારી ખેંચનાર મને મારા કરતા વધુ સુખી લાગતા. અને મને થતું કે કેવા પ્રેમથી અડીને બેસીને ,એક થાળીમાંથી ખાય છે.મારું તો  ઘરમાં કોઈ વજૂદ જ નથી.મને કોઈ નિર્ણય લેવાનો કે મનગમતી કોઈ પણ વાત કરવાનો અધિકાર નથી.છૂટાછેડા અંગે વિચારું પણ કંઈ રીતે? બે દીકરીઓ ને દીકરો મને જાનથી અધિક વ્હાલા અને હું કંઈ એવું ભણેલી નહી કે બાળકો ને તેમના જેટલી સગવડ સાહેબી આપી ઉછેરી શકુ.પણ હાશ !તેમના અચાનક હાર્ટએટેકથી  થયેલ મૃત્યુથી મને એમનાથી છુટકારો મળ્યો.ભારતમાં તો આવી વાત કોઈને કહેવાય પણ નહી.પણ છેલ્લા દસ વર્ષથી હું મારા બાળકો સાથે અમેરિકા રહુ છું .મારા બધાજ નિર્ણય મારી જાતે લઉં છું. સંગીત શીખું છું ને મારું જીવન મને ગમે તેમ મારી રીતે જીવું છું અને સાથે કર્ણપ્રિય અવાજમાં ગાયું 

  “પંછી બનું ઊડતી ફીરું મસ્ત ગગનમેં

                                                આજ મૈં આઝાદ હું દુનિયાકે ચમનમેં……..”

અને ત્યાં તો તેમને સાથ આપવા અને તેમની વાતમાં સાદ પૂરાવવા દક્ષાબેન આવી ગયા કે નીરુબેન તમે હિંમતપૂર્વક સરસ ને સાચી વાત કરી .બધાના નસીબ એકસરખા નથી હોતા લગ્નની બાબતમાં અને તેમણે તેમની વાત કરી કે મારા પણ ડિવોર્સ થયાં છે અને હું પગભર છું ને મારે બાળકો પણ છે પણ અહીં અમેરિકામાં તો બાળકો મોટા થઈ ભણવા ને જોબ કરવા બહાર નીકળી ગયા ,

તો હું ફરી કોઈ સાથી મળે તેની શોધમાં છું અને હસતા હસતા સાથીને શોધતા હોય તેમ આંખો પર હાથ રાખી  સાથીની  શોધની એક્ટીંગ કરવા લાગ્યા…..સૌ સીનિઅરોએ બંને જણને અને બન્નેની વાતને પણ જીવનની સાચી વાસ્તવિકતા સમજી તાળીઓથી વધાવી લીધા અને  દરિયા કિનારો  સૌની ઓ સાથી રે…… ની ગુંજથી ગુંજી ઊઠ્યો…..

( ઓ મારા સાથી મિત્રો રે…..હાથ જોડી હસું છું માફ કરજો)

         જિગીષા પટેલ