સુરેન્દ્ર ભર ઊંઘમાં હતો.બહાર વરસાદ મૂશળધાર વરસી રહ્યો હતો.વાદળના ગડગડાટ ને વીજળીના અવાજ સાથે થતાં ચમકારા કંઈ ભયાનક થવાનું હોય તેના ભણકારા આપી રહ્યા હતા.પવનના સુસવાટાથી ફંગોળાતા મોટા ઝાડના ડાળીઓના ઘુમાવ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યા હતા. મૂશળધાર વરસાદથી ધાબાની પાઈપો અને ઝાડ પરથી પડતા પાણી વરસાદી પાણીના અવાજમાં વધારો કરી રહ્યું હતું. સુરેન્દ્ર આ અવાજમાં પણ વહેલી પરોઢની નીંદર માણી રહ્યો હતો .અનિતા આખી રાત જાગતી જ પથારીમાં પડી હતી. ભારે વરસાદી રાતનું વાતાવરણ તેના ગભરાયેલ જીવને જાણે ચૂંથી રહ્યું હતું. તેમા તેનું તૂટતું બદન મનને વધુ ભારે કરી રહ્યું હતું.
બરોબર ચાર વાગ્યાને ટકોરે સ્ટોર રુમમાં સંતાયેલ રવિ બહાર આવ્યો. અત્યાર સુધી જાગતી પડી રહેલ અનિતા પણ દબાતે પગલે બહાર આવી. ઘોર અંધારામાં ચોરપગલે ચાલતા રવિના હાથે નાના ટેબલ પર પડેલ કાચનો ફલાવરવાઝ નીચે પડ્યો.અવાજથી ભર ઊંઘમાંથી સુરેન્દ્ જાગી ગયો. રવિ અને અનિતા ગભરાઈ ગયા.અનિતાને થયું રવિ પાછો સંતાઈ જાય પરંતુ સુરેન્દ્ર માટેની નફરત તેના અને અનિતાના અનેક અપમાનો થકી તેના માટે ધરબી રાખેલ ગુસ્સો આજે જ્વાળા મુખી બની ફાટી નીકળ્યો. સાથોસાથ રુપાળી અનિતાને પોતાની કરવાના પ્રેમનો ઉન્માદ પણ ખરોજ……
તેણે બાજુમાં પડેલ ટેબલ ઊંચકીને જોરથી પાછળથી સુરેન્દ્રના માથામાં માર્યું. સુરેન્દ્ર નીચે ફસડાઈ પડ્યો. અનિતા જોર જોરથી ચીસો પાડવા લાગી ના ………..રવિ………ના રહેવા દે……..પણ તે પહેલાતો રવિએ સુરેન્દ્રને ટેબલ ફટકારી દીધું હતું.અનિતાને પણ સુરેન્દ્ર પર ખૂબ નફરત અને ગુસ્સો હતો પણ હજુ તેનામાં એક સ્ત્રીનું લાગણીશીલ હ્રદય ધબકતું હતું. તે તેના પતિને આમ તરફડતો જોઈ ન શકી…….સુરેન્દ્રના તરફડતા હાથપગ બંધ થયા એટલે રવિને લાગ્યું હવે ખેલ ખતમ થઈ ગયો છે. રવિ અનિતાને ખેંચીને ગાડીમાં બેસવા લઈ જવા લાગ્યો .અનિતાનો જીવ હજુ સુરેન્દ્રમાં હતો. તેને રવિ સાથે હંમેશ માટે ભાગી જવું હતું, સુરેન્દ્રથી છૂટવું હતું પણ તેને મારી નાંખીને નહી.
અનિતા જોર જોરથી રડી રહી હતી અને બીક અને ગભરાટથી ધ્રૂજી રહી હતી.અનિતાને ગાડીમાં બેસાડી રવિએ વરસતા વરસાદમાં ગાડી મારી મૂકી.ગાડી જેટલી જોરથી આગળ વધી રહી હતી તેમ તેમ તેના મનના વિચારોની ગાડી તેના વીતી ગયેલ જીવન તરફ ભાગી રહી હતી.ત્યારે તે અઢાર વર્ષની મુગ્ધા હતી.ધનવાન પિતાની એકની એક દીકરી .રોજ સ્પોર્ટસ ક્લબમાં જીમમાં જાય.સુરેન્દ્ર એનો પર્સનલ ટ્રેઈનર.તેનું સુડોળ ,કસાએલ શરીર ,હમેશાં મળતા રાજ્ય કક્ષાના બોડી બિલ્ડર એવોર્ડ અને પર્સનલ ટ્રેઇનરના લીધે થતા સ્પર્શ કે મુગ્ધાવસ્થાનો આવેશ- તેને શું અસર કરી ગયું ખબર નથી પણ તેનાથી બાર વર્ષ મોટા સુરેન્દ્ર સાથે તેને પ્રેમ થઈ ગયો.આવીજ એક વરસાદી સંધ્યાએ પોતાનું સર્વસ્વ એને સોંપીને તે તેની સાથે ઘરમાંથી ભાગીને સુરેન્દ્ર ને પરણી ગઈ.ગુસ્સે ભરાએલ માતપિતાએ તેને ક્યારેય પોતાના ઘેર બોલાવી નહી.તેણે અને સુરેન્દ્રએ બેંકમાંથી લોન લઈને પોતાનું જીમ શરુ કર્યું.શરુઆતના થોડા દિવસો સારા ગયા પણ પછી સુરેન્દ્ર નો સાચો સ્વભાવ બહાર આવી ગયો.
સપનાંની દુનિયા અને વાસ્તવિકતામાં બહુ ફરક હતો.પ્રેમના પાણીના પરપોટા ફૂટી ગયા.યુવાનીના આગોશમાં આળોટતી અનિતાના જીવનમાં તેનાથી બાર વર્ષ મોટા સુરેન્દ્રની પુખ્તતા શૂળ બની ભોંકાવા લાગી.દોમ દોમ સાહેબીમાં ઊછરેલ અનિતાને રસોઈ કરતા આવડતું નહી.સુરેન્દ્ર થાળીઓ છુટ્ટી ફેંકી તેની પર ખૂબ ગુસ્સો કરતો. જીમમા બધાનાં દેખતા રોજ નાની નાની વાતમાં તેનું અપમાન જેમતેમ બોલી કરતો. એવામાં એ લોકોએ બીજૂ જીમ કર્યું જે અનિતા સંભાળતી.બુધ્ધિશાળી અનિતાએ તેમાં સ્ત્રીઓ માટે નવી આકર્ષક સ્કીમો ,પોતાની આગવી સૂઝ અને દરેકની પર્સનલ કાળજીથી ધમધોકાર ચાલતું કરી દીધું.આખા શહેરમાં તેની ચર્ચા થવાલાગી.સંકુચિત માનસવાળા સુરેન્દ્રથી પોતે આવો એવોર્ડ જીતનાર ને તેની પત્ની ચલાવે તે જીમ વધુ સારું ચાલે અને લોકો તેના જ મો પર અનિતાના વખાણ કરે તે સહન ન થયું.અનિતાનું જીમ કમાણી પણ તેના કરતાં ચાર ગણી કરવા લાગ્યું.ઓછુ ભણેલો ,જડબુધ્ધિ સુરેન્દ્ર અનિતાના જીમમાં જઈને પણ બધાંની સામે અનિતાને અનાપ શનાપ બોલતો અને તેના માતાપિતા સુધી ભાંડતો.પોતાને કંઈ કહે ત્યાં સુધી ઠીક પણ દરેક સ્ત્રીને હોય તેમ માતપિતાને કંઈ કહે તે વાત અનિતા સહન કરી સકતીનહી.
રવિ તેની સાથે નવા જીમમાં મુખ્ય ટ્રેઈનર હતો.સુરેન્દ્ર તેનું પણ બધા સામે અપમાન કરતો.રવિ સાથે આખો દિવસ પસાર કરતી અને રોજ તેની હૈયા વરાળ તેની સમક્ષ કાઢતી.તેમાં બંને જણ એકબીજા સાથે નજીક આવી ગયા. વાતની ભનક સુરેન્દ્રને મળતા ભૂકંપ આવી ગયો.તેણે અનિતાને ખૂબ મારી અને ખૂબ ખરીખોટી સુણાવી.રવિ ને જીમમાંથી કાઢી મૂક્યો.રવિ અને અનિતાએ નક્કી કર્યું બસ હવે બહુ થયું………..આપણે શહેર છોડી દૂર ભાગી જઈએ…….
અમાસની કાળી અંધારી ભયંકર વરસાદી રાતમાં રવિ પૂર જોશમાં ગાડી ચલાવી રહ્યો હતો.ધ્રુસકે ધ્રુસકે રડતી અનિતા રવિને કહી રહી હતી “તેં શા માટે આવું કર્યું???” રવિ કહે “તે મને જોઈ જાત તો તને અને મને બંનેને મારી નાખત……..આ ન કરું તો શું કરું???” બીક,ધ્રુજારી,ગભરાટ ને ભારે વરસાદમાં ફૂલ સ્પીડમાં જતી ગાડીનું બેલેન્સ ખોતાં ગાડી જોરથી મોટા ઝાડ સાથે અથડાઈ……સ્ટીયરીંગ રવિના પેટમાં ઘૂસી જતા ત્યાં જ તે મોતને હવાલે થઈ ગયો .ભગવાનની કરામત કે અનિતા સાવ …….બચી ગઈ. તે ગાડી માંથી પરાણે બહાર નીકળી.તેનું મગજ સાવ…..બહેર મારી ગયું હતું. હવે શું કરવું તે તેને કંઈ સમજમાં નહોતુ આવતું.
તે રોડ પર આવીને ઊભી રહી…..બીક,ચિંતાને ઉપરા ઉપરી આઘાતથી તેની મત મારી ગઈ હતી .હવે તે પણ આપઘાત કરવાનું વિચારી રહી હતી.પરતું તેને તે પહેલા ઘેર જઈ સુરેન્દ્રને છેલ્લીવાર જોઈ લેવાનો વિચાર આવ્યો.વહેલી પરોઢનું અજવાળું થઈ ગયું હતું. તે ઘેર પહોંચી તો ડોકટર ઘરની બહાર નીકળી ગયા હતા અને અંદર ગઈતો પાટા પીંડી કરેલ સુરેન્દ્ર પલંગમાં સૂતો હતો.તેને જોઈ અનિતા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી….. સુરેન્દ્રએ પણ રવિએ તેને ટેબલ ફટકાર્યું ત્યારે અનિતાના રહેવા દે …રહેવા દે ની ચીસ સાંભળી હતી.તેની આંખમાંથી પણ આંસુ અવિરત વહી રહ્યા હતા. બંનેની આંખો પોતાની કરેલ ભૂલના પસ્તાવાનો એકરાર કરી રહી હતી.
જિગિષા પટેલ