Uncategorized

બધુ એમનું એમ જ છે.

મીરાં આજે એટલાન્ટાથી નીકળી અમદાવાદ જવાની હતી.ઉપરના બધાં રુમનાં બારીબારણાં બંધ કરી તે નિરાલીના રુમમાં ગઈ. નિરાલી નો મોટી સાઈઝનો હસતો ફોટો જોઈ તેનાથી ઊંડો નિશ્વાસ નંખાઈ ગયો.તે ત્યાં પલંગ પર જ બેસી ગઈ. નિરાલી ના પલંગમાં તે નિરાલીના સ્પર્શનો અને તેની મીઠી મહેકનો અનુભવ કરતી હતી. તેના રુમની દિવાલો પર તેને તેના હાથની છાપ દેખાતી હતી.તેના રુમનાં પડદા બંધ કરતા તેના સરસરાટમાં તેને નિરાલીના સ્મિતના પડઘા સંભળાતા હતા.તેના રુમનાં સૂના ખૂણામાં તે તેના વિતેલા વર્ષોને શોધી રહી હતી.મીરાં ને અચાનક તેના ખભા ભારથી લચી ગયેલ લાગ્યા જાણે પાછળથી આવીને નિરાલી તેને ખભેથી વળગી ન પડીહોય!!!તે જાણે હસીને મમ્મીને કહી રહી હતી“એય મમ્મી મારા રુમમાં શું કરેછે? તને કીધું છેને મારી ગેરહાજરીમાં મારા રુમમાં જવાનું નહી.મારા કમ્પ્યુટર કે કોઈવસ્તુ ને અડકવાનું નહી”
કોઈએ સાચું જ કીધું છે “મૃત્યુ જીવતા માણસનું જ નથી થતું સંબંધનું પણ થાય છે.
તમે કરેલ પ્રેમ……….તમે લીધેલ કાળજીઓ
તમારા સ્પર્શ……..તમારા શ્વાસોચ્છ્વાસ
બંધુજ એક પળમાં નાશ પામે છે.આ બધું મૃત્યુથી પણ વધારે ભયાનક અને વધારે એકાકી છે.
મીરાંના ખભા નિરાલી જોરથી હચમચાવી નાંખ્યા હોય તેમ મીરાં ઝબકીને પાછળ ફરે છે.દુનિયાને માટે નિરાલીના મૃત્યુને દસ વર્ષના વહાણા વીતી ગયા…. પણ તેને માટે તો નિરાલી ઘરમાં હાજર જ છે.અને એટલેજ એણે નિરાલીના રૂમમાંથી એક સળીપણ આઘી પાછી નથી કરી.બધું એમનું એમ જ છે દસ વર્ષ પછી પણ…….તેનો પલંગ,તે પાથરતી હતી તેજ તેને ગમતી ચાદર,બ્લેકેંટ,તેના કબાટમાં તેના કપડાં પણ એવી જરીતે લટકે છે જેમ તે હતી ત્યારે લટકતા હતા………. નિરાલી ને નાની હતી ત્યારે “વીની ધ પુ “ના સ્ટફ ટોય ખૂબ ગમતા, બધા સ્ટફ ટોઈસ તેના રુમમાં પહેલાની જેમજ વ્યવસ્થિત ગોઠવાયેલ છે.ચારેબાજુ ગોઠવાયેલ “વીની ધ પુ” મીરાં ને હસીને પોતાની બાહો ફેલાવી બોલાવી રહ્યા છે. ઘરમાં કોઈને આ રુમની કોઈ વસ્તુને આઘીપાછી કરવાની પરવાનગી નથી.
મીરાં પહેલાંની જેમજ ઘરની બહાર નીકળતા અને ઘેર પાછી આવીને નિરાલીના રુમમાં જાય છે.તેની સાથે રોજ બધી વાત કરે છે .માલવ ,મીરાંના પતિની,ફરિયાદ કરે છે.તેના માટે નિરાલી તેની આસપાસ જ છે.અને હા નિરાલી હતી પણ એવીજ મીઠી કે તેના મિત્રો ,નજીકના સગાવ્હાલા કોઈ તેને ભૂલી શકતું નહોતુ.નિરાલી મીરાંની
કાર્બન કોપી હતી.નાળિયેરની કાચલી જેવી બહારથી એકદમ દેખાય કડક પણ હલાવીને જૂવો તો પાણી પાણી ને અંદરથી લાગણીથી લથબથ ને મીઠી મધ પણ બહારનો ભાગ તો કડક જ દેખાયને!!! એટલે તેની શરીરની વેદના ક્યારેય કોઈ જોઈ ન શકયું અને હાથતાળી દઈ તે ચાલી ગઈ…..
આમ તો નિરાલી જન્મી ત્યારે જ તેના હ્દયમાં કાણું હતું.તેના હ્રદયનીએક દિવાલ જાળાવાળા જેવી હતી.ડોકટરે પહેલા ઓપરેશન પછી કહ્યું હતું કે ભગવાન જેટલું જીવાડે તેટલું સાચું પણ ભગવાને જન્મતાની સાથેજ તેને કેમ ન લઈ લીધી?તેને પચ્ચીસ વર્ષ જિવાડી ,ભણાવી,ગણાવી તેની માયા ને મમતામાં ઓળઘોળ કરી અચાનક એક દિવસ તેને આ દુનિયામાં થી ઉપાડી લીધી!!!
મીરાંને બધુ ખબર છે- આત્મા અમર છે,તેને કોઈ છેદી શકતું નથી,બાળી શકતું નથી.આપણે માટી માંથી ઉત્પન્ન થઈ માટીમાં જ ભળી જઈએ છીએ…….અહમ્ બ્રહ્માસ્મી,આપણેા આત્મા ભગવાનનો જ અંશ છે…ગીતાનું જ્ઞાન ને ઉપનિષદોનું બધું વેદાંત જાણવા છતાં…….એક મા જે દીકરી ને પોતાની કૂખમાં નવ મહિના સાચવી હોય અને પચ્ચીસ વર્ષ સુધી પ્રેમને કેટકેટલી કાળજી લઈ ઉછેરી હોય તે આમ અચાનક એક દિવસ ચાલી જાય……તો તે કેવીરીતે સહન કરી શકે ભગવાન?કાળજાના ટુકડા ને સાસરે મોકલતા સો વાના થાય છે તો હજુ જેણે હમણાં જ જુવાનીમાં પગ મૂક્યો છે તે હંમેશને માટે ચાલી જાય તો મા તે કેવીરીતે સહન કરી શકે??
મીરાંના ઘેર નિરાલીનો રુમ એમ ને એમ જૂવે ત્યારે બધાને એક જ સવાલ છે
હજુ દસ વર્ષ પછીપણ …બધુ ……એમનું એમ જ છે…..હા……….બધુ એમનું એમ જ છે……..
કારણ …….ખડખડાટ હસતી……સડસડાટ…….સીડી ઊતરતી…….પવન સાથે તેની સુગંધ રેલાવતી નિરાલી
મીરાંની આસપાસ જ કયાંક …..છે
Sent from my iPad