Uncategorized

મને જીવન ગમે છે

બધાંને  ગુલાબનું ફૂલ ગમે પણ એને મોગરાના ફૂલો ગમે…..શ્વેત અને સુગંધથી મઘમઘતાં ,તેની સુવાસથી તનબદન તરબતર થઈ જાય.તે હંમેશ ખોબો  ભરીને મોગરાના ફૂલો લાવતો ,વાત છે પહેલા પ્રેમની.સોળ વર્ષની બાલી ઉંમરે જીવનમાં પહેલા પ્રેમની અનુભૂતિ થાય છે ત્યારે જીવન જીવવું કેટલું ગમે છે!!!!!તેવા પ્રેમનું સ્પંદન જીવનમાં ફરી ક્યારેય અનુભવાતું નથી.પૃથ્વી પર સ્વર્ગ ઊતરી આવે છે.તેની આંખ થીઆંખ મળે ને રોમ રોમ ઝૂમી ઊઠે છે.તેના નજીવા સ્પર્શ માત્ર થી હ્રદય પ્રેમથી છલકાઈ જાયછે.પહેલા પ્રેમના ઝૂલા પર બેસી ચાંદ-તારાને ચૂમવાનું મન થાયછે.અરે!સૂરજના તાપમાં નહાવાનું પણ ગમેછે.પ્રેમના પાગલપનમાં અતિનીકટનાં બધાં સંબંધોના બારીબારણાંપણ બંધ થઈજાયછે.જગતમાં એક જ સંબધ,એક જ વ્યક્તિ- એ અને હું બે મટીએક થઈ જાયછે.આપણી દુનિયા તેનાથી શરુ થઈ તેનામાં જ પૂરી થઈજાયછે. તેને સ્પર્શીને આવેલ પવન ની લહેરખીના સ્પર્શ થી શરીર અનોખું ,અવર્ણનીય સ્પંદન અનુભવે છે……મેઘધનુષના સાત રંગમાં પ્રેમનો આઠમો રંગ ઉમેરાઈ જાયછે.બધાંએ આ પ્રેમનો અનુભવ કર્યો છેખરુને??

મને જીવન ખૂબ……ગમે છે કારણકે હવે મારે પ્રેમના આજ તલસાટને પરમાત્મા ના પ્રેમ થકી અનુભવવો છે.
પરમશક્તિના પમરાટમાં એક થઈ જવું છે .સતચિત્આનંદની અનુભૂતિ કરી પ્રેમથી છલકાઈને આખા જગતના એકએક માનવીને પ્રેમથી ભરી દેવો છે.પહેલાપ્રેમના સ્પંદન જેવું પરમ પ્રેમનું સ્પંદન પામી મારી આંતરિક સંવેદનાને સળવળાવી દેવી છે.કામ,ક્રોધ,લોભ,મોહ,ને અહમના આવરણોને ભેદીને પેલેપાર જઈ
અલોકિક પ્રેમના આસ્વાદને માણવો છે.પ્રકૃતિના સર્જન કરેલ એકેએકમાં

વાદળના ગડગડાટમાં,પવનની સરસરાહટમાં,વીજળીના ચમચમાટમાં,
ફૂલોના મઘમઘાટમાં, ભમરાનાગણગણાટમાં, મોરના થનગનાટમાં, ચકલીની ચહચહાટમાં,
અને ઝાડની લહેરાટમાં અસ્તિત્વ ને ઓગાળી નાખવું છે.

અને પ્રેમથી છલોછલ ભરેલ મનને ચારેબાજુ પ્રેમ જ દેખાશેને? અને ત્યારે એ પરમ શક્તિ પાસે માંગીશ

આપને તારા અંતરનો એક તાર બીજું હું કાંઈ ન માંગુ
સૂણજે આટલો આર્ત તણો પોકાર બીજું હું કાંઈ ન માંગુ
તૂંબડું મારું પડ્યું નકામું કોઈ જુએ નહી એના સામું
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર પછી મારી ધૂન જગાવું

આ પ્રેમમાં જો મસ્તમગન થઈજાઓ તો દુનિયાના કોઈ દુ:ખ તમને સ્પર્શશે નહી.કોઈ કહેશે આ એટલું સહેલું નથી,હા ખરે જ નથી પણ તે તરફનો અભિગમ ને સાચાદિલ થી પ્રયત્ન તો ચોક્કસ કરાયને? અને કહ્યું છેને પૂરા ને સાચા દિલથી માંગેલ મળે જ છે અને એટલે જ જીવન મને ગમે છે.મૃત્યુ પણ નિશ્ચિત છે પરંતુ જ્યારે
પરમાનંદની એક લહેરખી પણ માણી હશે તો મૃત્યુ પણ ઉત્સવ બની જશે.સદગુરજી એ કેટલું સરસ કહ્યું છે
“તમને પ્રેમ કરે તેને તો પ્રેમ કરો પણ તમને પ્રેમ ન કરે તેને પણ પ્રેમ કરો”પછી જીવન કેવું ગમે છે તે જૂઓ!

આમ મારે તો હસતા હસતા,કોઈ ના મોં પર મુસ્કાન લાવીને,જરૂરીયાતમંદને મદદ કરીને ,હરકોઈ ના ખાલીપણા નેખાલી કરી તેમાં પ્રેમરસ ભરી દેવો છે.જીવનની નાની નાની વસ્તુમાંથી આનંદ લેવો છે.
જીવનની હરેક પળ ને ઉત્સવ બનાવી માણવી છે ને માણતા માણતા આનંદથી મોત ને ભેટવું છે
અસીમમાં સમાવું છે અને જગતના સર્વ જીવો માટે પ્રાર્થવું છે

સર્વેત્ર સુખન: સતું સર્વે સન્તુ નિરામયા
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દૂઃખમાપ્નુયાત્

માટેજ મને જીવન ગમે છે.

જિગીષા પટેલ

Sent from my iPad