Uncategorized

મેરા ભારત મહાન

છ મહિના પહેલા અમદાવાદ પોતાને ઘેર વતનમાં જવાનું થયું.બધા મિત્રો ને સગાસંબંધી મળવા આવ્યા હતા .ભારતમાં હવે અમેરિકા અને વિદેશ જેવી બધીજ ટેકનોલોજી નો વિકાસ થયો છેઅને વિદેશ જેવીજ બધી વસ્તુઓ મળે,વિદેશ જેવાજ મોલ,ગાડીઓ,સગવડો અને સવલતો છે.આવી વાત આવેલા બધા મિત્રો કરતાં હતા અને ત્યાં જ મારા ઘેર કામ કરતા માણસે સમાચાર આપ્યા કેબહેન વિમલ શાંત થઈ ગયો.મેં કીધું”તેના પિતા બિમાર છે તે ગુજરી ગયા હશે.શું ગમે તે બોલે છે!!!!”તેણે તેના ફોનમાં વિમલના મૃતદેહના ફોટા બતાવ્યા ને હું ત્યાં જ બેસી પડી.દું:ખ ને શોકની લાગણી એ મારા મનને ઘેરી લીધું હતું. તેથી પણ વધારે ગુસ્સો મને મારી પર આવતો હતો કે હું જાણતી હોવા છતાં કંઈ જ નકરી શકી. હું અમેરિકા આવી તે પહેલા વિમલ મારા ઘરમાં જ ચોવીસ કલાક રહેતો છોકરો હતો.દસમું ધોરણ પાસ કરીને તરત મારે ઘેર રહેલો.સદાય હસતો ચહેરો ,અમારો પડ્યો બોલ ઝીલતો અને એકદમ પ્રેમાળ ને વિશ્વાસુ.અમને સરસ ગરમ ગરમ જમાડતો ,ઘરનું ને અમારું દરેક વસ્તુનું સરસ દયાન રાખતો.પાંચેક વર્ષ પછી તે લગ્ન કરીને તેની પત્નીને લઈને બંને જણ અમારા ઘેર આઉટહાઉસમાં રહેતા.શરીરે દૂબળો ને જેવો દેશમાં જાય અને ખેતીવાડીનું ભારેકામ કરે ને આવીને માંદો પડે.એકવખત દેશમાંથી આવ્યો ને મેં જોયું તો તેનું શરીર તાવ થી ધખધખે.તેની પત્ની કહે “આતો રાતની બસમાં આવ્યા એટલે ઠંડી ચડી ગઈ છે. “મેં તેની કોઈ વાત ન સાંભળી ને હું સીધી એને ફેમિલી ડોકટરને બદલે ફીસીશ્યન પાસે લઈ ગઈ. ડોકટરે તપાસ્યો ને પછી એકસરે કરવા લઈગયા. ડોકટરે શર્ટ અને તેનું ગંજી કઢાવ્યું તો આ……….શું તેની છાતી પર ,બરડા પર અને હાથના બાવડા પર વીસ પચ્ચીસ ગરમ ગરમ કોલસા ના આપેલ ડામના મોટા મોટા ચાઠા.મેં અને ડોકટરે સાથેજ પૂછ્યું કે “આ શું છે ? તો કહે “હું નાનો હતો ત્યારથી મને દર અઠવાડિયે કે મહિને તાવ આવે ,તે તાવ ઉતરાવવા માતાજી પાસે લઈ જાય ને તે મહારાજ કે ભૂવો જે હોય તે ગરમ કોલસાથી દરેક વખતે ડામ આપે!!!હું માંદો ને માંદો રહુ એટલે દરેક વખતના તાવ ઉતારવાનાં આ ડામના ચાઠાં છે.તેને છ મહિનાનો મૂકીને તેની મા તાવમાં જ ગુજરી ગઈ હતી.તેનાછાતી ને બરડાના ડામ જોઈ હું વેદનાથી ચિત્કારી ઊઠી,મારું શરીર તે બાળક વિમલની ડામનીકલ્પના માત્રથી કાંપવા લાગ્યું અને આંખોમાંથી અસ્ખલિત આંસુ વહેવા લાગ્યા.ડોક્ટરે ટી.બી નું નિદાન કર્યું. તેની દવાઓ ને આરામ કેટલો સમય કરાવવાે અને કેવો ખોરાક આપવો તે સમજી હું વિમલને લઈને ઘેર આવી. મારું મન આજે ખૂબ ઉદાસ હતું.અનેક વિચારોની ગડમથલ અને દેશના આ ગરીબ,અભણ લોકોને આવી અંધશ્રદ્ધા ,માતાજીની વાહિયાત માન્યતાઓમાંથી કેવીરીતે બહાર લાવવા તે હું વિચારતી હતી અને હું બુટિક ચલાવતી હતી તેથી મારા દરજી રમેશભાઈ કામ માટેઆવ્યા.સદાય હસતો ચહેરો જોવા ટેવાએલ દરજી મનેઆમ એકદમ ઉદાસ જોઈ પૂછવા લાગ્યો “બેન કેમ શું થયું છે તમને આજે?” મારા નાનામાં નાના માણસો ને કારીગરો બધાં સાથે મારા સંબંધો ખૂબ આત્મીય અને લાગણીભરેલા હતા.તે બધાં જ મારા અંગત ઘરના માણસ જેવા હતા.મેં એને વિમલની વાત કરીતો એણે પણ એનું શર્ટ કાઢીને એના ડામના ડાઘ બતાવ્યા. રમેશભાઈ કહે બેન અમારે ગામડાંમાં તો આવું જ હોય! અને હું તો સાવ અવાચક જ થઈ ગઈ………. વિમલને ઘી,દૂધ,શીરો, ઈંડા,ફળો જેવા પૌષ્ટિક ખોરાક,દવાઓ અને આરામ કરવાની સગવડ આપી છતાં તે માતાજીની માનતા કરવા મારી ગેરહાજરીમાં દેશમાં જતો રહ્યો.તેની તબિયત માટે ઓછું કામ કરી તબિયત સાચવવા કેટલો સમજાવ્યો પણ કંઈ જ સમજ્યો નહી ને નાની ઉંમરમાં પ્રભુને પ્યારો થઈ ગયો. હું નાકામયાબ રહી…… અનેક સામાજિક બદીઓ અને અંધશ્રદ્ધા થી ખદબદતા આપણા દેશના ગામડાના ને અંતરિયાળ અવિકસીત પ્રદેશો ના લોકો જયાં સુધી કંઈ સમજશે નહી ત્યાં સુધી શું દેશનું ભવિષ્ય ધૂંધળું જ રહેશે? અભણ લોકોના મનમાં ઘર કરી ગએલ આવી ખોટી વહેમી માન્યતાઓ કેટલા વિમલનેા ભોગ લેશે? અભણ લોકોની વાહિયાત વહેમી માન્યતાઓ ,જૂના ઘર કરી ગએલ અંધશ્રદ્ધા ભરેલ રીતીરિવાજ ને દૂર કરવા શું કરીશું આપણે? કેવીરીતે બહાર લાવીશું ભારતવાસીઓને આ જડપરંપરામાંથી???????????? કેવીરીતે બનાવીશું “મેરા ભારત મહાન” જિગીષા પટેલ