Uncategorized

લોહીનો એકજ લાલ રંગ

પિતાએ વહાલસોઈ દીકરી નું નામ પરી પાડ્યું હતું કારણકે તે રુપ રુપનો અંબાર હતી.તેની આંખો બ્લુ અને ગોરોવાન.થોડા થોડા રુપે ઘડેલી અને મીઠી મધ જેવી પરી પરાણે વહાલી લાગે તેવી હતી.માતા-પિતા અને પરી ખૂબ આનંદથી જીવતા હતા અને અકસ્માતમાં પરીના પિતાનું મૃત્યુ થયું. પાપાની દુલારી પર આભ તૂટી પડ્યું.પરીને લઈને તેની માતા સુમી તેના ભાઈને ત્યાં હંમેશ માટે રહેવા આવી ગઈ જે સુમીની ભાભીને જરાપણ ગમ્યું નહી.સુમી નાે ભાઈ અને તેના પિતા મા-દીકરીને ઓછું ન આવે એટલે તેમનું ખૂબ ધ્યાન રાખતા અને ખૂબ પ્રેમ કરતા.પરતું મામીને કાયમ માટે પોતાના માથે પડેલા મા-દીકરી આંખમાં કણાની જેમ ખૂંચતા.એક દિવસ સવારે નાસ્તાના સમયે પરીએ મામાને પોતાને ગમતા શેમ્પુ અને ક્રીમના નામની ચિઠ્ઠી આપી તો મામીએ બધાની વચ્ચે જ તેને સંભળાવ્યું કે મામાના એકલા પગારમાં આ બધા તારા નખરાં નહી પોસાય.ઝંખવાણી પડી ગએલ નાદાન ને યુવાન પરી રુમમાં જઈ માને વળગીને ખૂબ રડી. પછી શાંત થઈ તેણે તેની માને કીધું “મમ્મી આપણે થોડા વર્ષની જ વાર છે.મારું બારમાંનું રીઝલ્ટ આવશે એટલે હું મેડીસીનમાં એડમીશન લઈશ.મમ્મી એકવાર હું ડોકટર થઈ જઈશ પછી તારી બધી ચિંતા દૂર. મારા પેપર્સે બહુજ સરસ ગયા છે.” નાના પણ બંને દીકરી ને સાંત્વના આપવા અંદર આવી રહ્યા હતા ને બારણા પાસે આવતા જ પરીની વાત સાંભળી તેને ભેટી પડ્યા. મામા ને બાળકો નહોતા પણ મામીના માતાપિતા નાનપણમાં ગુજરી ગયા હોવાથી તેમનો એકનો એક નાનોભાઈ તેમની સાથે જ રહેતો હતો.પરી કરતા તે ચારપાંચ વર્ષ મોટો હતો. તે મેડીસીનનાં છેલ્લા વર્ષમાં જ હતો.પરી નાની હતી ત્યારથી મામાને ઘેર આવતી ને મામીના ભાઈ પ્રિયમ સાથે રમતી . પ્રિયમ તેને બાઈક પર બેસાડી આઇસક્રીમ ખાવા, ફરવા અને ક્યારેક પીક્ચર જોવા પણ લઈ જતો.તેના લીધે પરીને મામાના ઘેર પણ આવવું ગમતું.તેને જોઈને જ પરીને પણ ડોકટર બનવું હતું.પરીની હોશિયારી જોઈ પ્રિયમ પણ પરીને ડોકટર બનવા પ્રોત્સાહન આપતો.અને એ દિવસ આવી ગયો ;પરીનું રીઝલ્ટ બાણું ટકા આવ્યું.પરીના નાના અને મામા મીઠાઈ વહેંચવા લાગ્યા અને પ્રિયમ પણ ઘેર પરીને ગમતો આઇસક્રીમ લઈને આવ્યો.પરી ને તેની મા પણ ખૂબ ખુશ હતા કે હવે તેમની મુશ્કેલીનો અંત હાથવેંત જ છે.પણ તેમ ન બન્યું.મામીએ તો કહી દીધું કે પરીને ડોકટર બનાવવા માટે જેટલા ફી ના પૈસા જોઈએ તેટલા પૈસા તેમની પાસે નથી.તેને ભણવું જ હોય તો સાદું ગ્રેજયુએશન કરે. પરીની બધી આકાંક્ષા પર પાણી ફરી વળ્યું. તે તેની મા અને નાનાને વળગી ખૂબ રડી.નાના પણ પોતાના હ્રદયના ટુકડા જેવી પરી ને જોઈ પોતાની બેબસીને કોસી રડતા રહ્યા.પોતે જ એંસી વર્ષની ઉંમરે દીકરા વહુ પર આધારિત હતાં તેથી તે શું બોલે?પ્રિયમ તો એમ જ સમજતો હતો કે પરી મેડીસીન નું જ ફોર્મ ભરશે પણ જ્યારે પરીએ આર્ટસ કોલેજનું ફોર્મ ભર્યું ત્યારે તે પણ પરી પર ખૂબ ગુસ્સે થયો પણ પરીએ તેને કોઈ ખુલાસો ન કર્યો. સુમી આખા ઘરનું બધું જ કામ કરતી અને પરી ક્યારેક તેની બહેનપણીઓ જોડે મોબાઈલ પર વાત કરતી તો પણ મામી તેને સંભળાવતા કે પરી ફોન પર વાત કરવાને બદલે હવે રસોઈ અને ઘરના કામમાં ધ્યાન આપે.નાના,સુમી અને પરી મામીની વાતો સાંભળી ખૂબ દુ:ખી થતાં અને પરી તો રાત્રે તેની માને વળગીને જ સૂઈ જતી.મામાનું ઘર તેને હવે પરાયું લાગતું હતું ને તે તેના પિતાને યાદ કરી આંસુ સારતી હતી.એવામાં એક દિવસ મામીની એક બહેનપણીએ પરી જેવીજ રુપાળી સુમીને જોઈને તેને ફરીથી પરણાવી ,મા-દીકરી બન્ને ને આ ઘરમાંથી બહાર કાઢવાનો રસ્તો સુઝાડ્યો.મામીએ તો લગ્નબ્યુરોનાં આંટા મારી સુમી માટે કરોડપતિ બીઝનેસમેન અજયભાઈને શોધી કાઢ્યા.અજયભાઈ મોટા એક્સપોર્ટર હતા.તેમને એક મોટો વીસ વર્ષનો દીકરો ને તેર વર્ષ ની દીકરી હતી.તે તેમની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા અને કેન્સરની ટૂંકી માંદગીમાં તે ગુજરી ગઈ હતી.તેમના બાળકોનું ધ્યાન રાખે તેવી પત્નીની શોધમાં તે હતા. જેથી પોતે કામથી ફોરેને જાય તો તે બાળકોનું ધ્યાન રાખે. સુમી માટે મામીને અજય એકદમ બરોબર લાગ્યો.તેનો મહેલ જેવો બંગલો,અધધ સંપત્તિ,મસ મોટો બીઝનેસ અને અનેક મોટરગાડીઓની વાતો કરી એણે પોતાના પતિ અને સસરાને સુમીના લગ્ન માટે મનાવી લીધા. સુમીની જરાપણ ઈચ્છા બીજા લગ્નની નહોતી પણ પિતાએ તેનેસમજાવી કે લગ્ન કરીને આ ઘરની પરવશતા ને મામીના મહેણાં-ટોણાથી છુટકારો મળશે.પરીને ડોકટર બનાવી શકાશે અને તેને પોતાનું ઘરને પરીને પિતાની છત્રછાયા મળશે.સુમી માત્ર પરીનો વિચાર કરીનેજ લગ્ન માટે તૈયાર થઈ.યુવાન પરી પોતાની માના બીજા લગ્નથી બિલકુલ રાજી નહતી પરંતુ નાનાએ સુમીને જે રીતે સમજાવી તેમ જ પરીને તેજ વાતો થી સમજાવી. પ્રિયમ પણ સુમીને પરાણે અજય સાથે પરણાવવાની બેન ની વાત થી ખુશ નહોતો. પિતાની ઈચ્છા અને પરીના ભવિષ્યના વિચારે સુમી અજય સાથે લગ્ન કરવા તૈયાર થઈ.સુમીના લગ્ન અજય સાથે થયા .પરી હવે મામાને ત્યાં સાવ એકલી થઈ ગઈ હતી.મામા-મામી અને નાનાએ વિચાર્યું કે સુમી થોડી સાસરે સેટલ થાય પછી પરી જશે.અજયના દીકરા દીકરીને સુમી પોતાની પરીથી પણ અધિક રાખતી.અજય આ જોઈને ખૂબ ખુશ રહેતા અને બંને બાળકો પણ સુમી સાથે ખૂબ ખુશ રહેતા. સુમી ને પરી ખૂબ યાદ આવતી.પરી તો રુમમા બેસીને મા વગર ખૂબ રડતી.એક દિવસ અજયે સુમીને પૂછ્યું”આટલી સુખ સાહેબી છતાં તું કેમ ખુશ નથી?”ત્યારે સુમીએ કીધું “મારું જીવન મારી દીકરી વગર અધૂરુંછે તમે કહો ત્યારે હું એને અહીં મારી સાથે લઈ આવું” અને અજયે જે જવાબ આપ્યો તે સાંભળી સુમી સાવ ભાંગી પડી.અજયે કીધું “બીજાના લોહીને હું ક્યારેય મારી દીકરી તરીકે અપનાવી ન શકુ. એ મારા ઘરમાં આવે તો તારું બધું ધ્યાન તેના તરફ જ થઈ જાય.તે ક્યારેય મારા ઘરમાં આવી નહી શકે.હા તેને તારે જેટલા પૈસા,કપડાં આપવા હોય તે આપ.”સુમી એ અજયને સમજાવા લાખ કોશિશ અને કેટલીએ કાકલુદી કરી પણ અજય તેની વાતમાં એકનો બે ન થયો. માના ગયા પછી સુમીના નાજુક દિલને ખૂબ ધક્કો લાગ્યો હતો. તેપત્થર બની ગઈ હતી.તેનું હાસ્ય ગાયબ થઈ ગયું હતું.ચુપચાપ રહી આખો દિવસ મામીના ઘરનું કામકાજ કર્યા કરતી.એવામાં એક દિવસ તે પ્રિયમનો રુમ સાફ કરી રહી હતી અને ત્યાં તેણે એક સરસ પરફ્યુમ જોયું અને પોતાના કપડાં પર છાંટ્યું.તેજ વખતે રુમમાં પ્રિયમ પ્રવેશ્યો અને તેણે પાછળથી આવીને એના હાથનું કાંડું પકડી લીધું.પરી તેને અવાચક થઈને જોઈ રહી……. વધુ આવતા અંકે -પ્રિયમ પરીને પોતાના પ્રેમનો એકરાર કરશે કેઠુકરાવશે? તે તેની મા સાથે ક્યારેય નહી રહી શકે? જિગીષા પટેલ પરી મામાના ઘરમાં રહેતી હતી તેનો એક આધાર સ્તંભ નાના હતા અને બીજો હતો પ્રિયમ.પરી નાની હતી ત્યારથી પ્રિયમ તેને ખૂબ ગમતો.તે તેની સાથે જિદ કરતી,હસતી,રમતી,ક્યારેક ચિડાતી અને રિસાતી .પ્રિયમ્ તેને મનાવતો તે તેને ખૂબ ગમતું.પ્રિયમ નો રુમ સાફ કરવેા,તેના માટે જમવાનું બનાવવું અને તે આવે ત્યાં સુધી તેની જમવા માટે રાહ જોવી આ સિવાય હવે કંઈતેના જીવનમાં બાકી રહ્યું ન હતું.પ્રિયમ પણ પરીનો પક્ષ લઈને તેની બેન સાથે હમેશાં લડતો.પરી અંદર અંદર પ્રિયમને પ્રેમ કરવા લાગી હતી.અને જ્યારે પ્રિયમ્ ના રૂમમાં સાફસૂફી કરતા પોતાને ગમતું પરફયુમ જોઈ તે ખુશ થઈને કપડાં પર છાંટતી હતી ને પ્રિયમ તેનું કાંડું પકડીને જોરથી ઘાટો પાડીને કીધું”આ તો મારી ગર્લફ્રેન્ડને ગીફટ આપવાનું પરફયુમ છે તેને તું અડકી જ કેમ? આ સાંભળી પરી ને માથે વીજળી તૂટી પડી.!! તે સોરી કહી ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળી ગઈ અને પોતાના રુમમાં જઈ ખૂબ રડી.તેના માટે જીવનનેા જીવવાનો એક સહારો હતો તે પણ છીનવાઈ ગયો..પરી ને એકદમ ઉદાસ જોઈ નાનાએ તેને રુમમાં જઈ ઉદાસી નું કારણ પૂછ્યું.હૈયાફાટ રુદન કરતી પરીની વાત સાંભળી ને નાના ને પણ ખૂબ દુ:ખ થયું .તેમને પણ ,પરી માટે પ્રિયમ ખૂબ ગમતેા હતો.નાનાએ પરીને છાતી સરસી ચાંપી ખૂબ આશ્વાસન આપ્યું કે ભગવાન તારું બધું સારું કરશે,પરંતુ હતાશાએ પરીને ચારેબાજુથી ઘેરી લીધી હતી ……. સુનમુન વેજીટેબલ થઈ ગયેલ પરી પોતાના દિવસો જેમતેમ પસાર કરતી હતી .પોતાની વાત કરવા તેની પાસે મા પણ ન હતી. સુમીને પણ પોતાના ઘેરથી અહીં આવવાનો ટાઈમ મળતો નહી .સુમી પણ પરીના વિચારોમાં ખોવાએલ રહેતી અને પોતાના ફરીથી લગ્ન કરવાના નિર્ણય માટે પોતાની જાતને કોસતી રહેતી. તેને હવે શું કરવું તેની કોઈ સમજ પડતી નહોતી.પ્રિયમ ડોકટર થઈ ગયો એટલે તેના રીઝલ્ટના દિવસે તેને અભિનંદન આપવા સુમી મોટી ગીફટ લઈને આવી.મામી તો હવે સુમીની વાર તહેવારે મળતી ગીફટ અને પરી માટે મળતાં પૈસાથી બહુજ ખુશ હતા.પરતું પરી ,સુમીને નાના ને મામા-મામી ને વાત કહેતા સાંભળી ગએલ કે અજય ક્યારેય તેને પોતાના ઘરમાં રાખવા તૈયાર નથી, ત્યારથી તેણે અજયના પૈસાથી ખરીદાએલ પોતાના મોંઘાદાટ કપડાં,દાગીના અને પોતાની મેડીકલ કોલેજમાં જવા માટેની ફી લેવાની પણ ઘસીને ના પાડી દીધી હતી.આનાથી સુમીના દુખનો પાર ન રહ્યો.જે કારણોથી મનમનાવીને પોતે બીજીવાર લગ્ન કર્યા હતા તે બધું સાવ નકામું જતા તેની હતાશાનો પણ પાર નહોતો……. પ્રિયમ તેની મિત્ર પૂજા જે એમબીએ થએલ હતી તેને લઈને એક દિવસ ઘેર આવ્યો ને પોતાના બેન-બનેવી ની તેની સાથે લગ્ન માટે માટે મંજૂરી લીધી.બેન તો ભણેલી અને કોર્પોરેટ દુનિયામાં જોબ કરતીઅને ગાડી લઈને ફરતી પૂજા ખૂબ ગમી ગઈ અને તરત જ તેમના વિવાહની તારીખ નક્કી કરી દીધી.પ્રિયમના વિવાહ ધામધૂમથી કર્યા.સુમીએ પૂજાને અને પ્રિયમ ને ખૂબ ભેટો આપી.પરીએ તો સુમીએ આપેલ કપડાં પ્રિયમના વિવાહમાં પણ ન પહેર્યા !! પોતાની પાસે હતા,જે પ્રિયમે તેના બારમાના રીઝલ્ટના દિવસે ગીફટ કરેલા હતા તેજ કપડાં પહેર્યા. પાર્ટીમાં પણ તે એકબાજુ ચૂપચાપ બેઠી હતી.સુમી પરીને અજયને લઈને મળવા પાસે આવી તો પણ તે ચૂપચાપ જ રહી.તેણે પોતાનો ગુસ્સો આમ ચૂપ રહીને અને કોઈની પણ સાથે વાત નહી કરીને જ દર્શાવ્યો.પરીની આવી સુનમુન હાલત જોઈ સુમીનેા જીવ કપાઈ જતો.તે પોતાની બેસહાય હાલત પર એકલી એકલી ખૂબ રડતી….. પરીનું જીવન યંત્રવત્ ચાલતું હતું .એની ખાસ સહેલી તેને રોજ ખુશ રહેવા સમજાવતી.એક દિવસ બંને જણા ચાલતા જતા હતા ને તેમણે બોર્ડ વાંચ્યું “આ સંસ્થામાં છોકરીઓને ભણવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે.પોતાની ઓરીજીનલ માર્કશીટ લઈને આવવું.ડીસ્ટીકશન માર્કસ મેળવનાર ને પહેલો ચાન્સ.” આવાંચીને પરીના મગજમાં એક નવાજ વિચારનો ચમકારો થયો.તેણે નક્કી કર્યું આજથી રડવાનું બંધ.મારે મારા જીવન જીવવા માટે કોઈના આધારની જરુર નથી.હું કોઈ નિર્બળ અબળા નારી નથી.મારામાં જે કૌવત,આવડત, શક્તિ છે તે હું સ્વનિર્ભર થઈ ડોકટર બની બતાવીશ.પોતાનામાં રહેલ આત્મવિશ્વાસ અને હિંમત સાથે હવે તેણે પોતાની જિંદગી જીવવાની શરુ કરવાનાે નિર્ણય લઈ લીધો.બીજે જ દિવસે તેણે સ્કોલરશીપ માટે ફોર્મ ભરી દીધું.તેની માર્કશીટ જોઈને સંસ્થા તેને જે મદદ જોઈએ તે કરવા રાજી થઈ ગઈ. પરીના મેડીકલમાં એડમીશનથી નાના અને સુમી ખૂબ ખુશ થઈગયા.પ્રિયમ પણ હોસ્પિટલમાં જોબ કરી રહ્યો હતો.પ્રિયમ પણ હવે પરી માટે સારા મિત્રથી વિશેષ કંઈ નહોતો. પણ પરીના ડોકટર બનવાના નિર્ણય થી તે ખુશ હતો. સમયનું વહેણ વહી રહ્યું હતું.પરી મેડીકલના છેલ્લા વર્ષમાં આવી ગઈ હતી.સુમી અજયના બાળકો ને ખૂબ પ્રેમથી ઉછેરી રહી હતી. અજયની દીકરી સુમી સાથે અવારનવાર પરીને મામને ઘેર મળવા આવતી તેને પરી ખૂબ ગમતી. તે પરીદીદી સુમીમા જેટલી જ સારી છે એવીવાત અજયને કરતી.અજય પણ હવે સુમીને બહુજ પ્રેમ કરતો અને કહેતો કે સુમી ,પરીને તું આપણા ઘેર બોલાવી રાખી શકેછે. પણ પરી હવે અજયના ત્યાં જવા તૈયાર નહતી. મામી હવે પ્રિયમના લગ્ન કરવાની તૈયારીઓ કરતા હતા. એવામાં એક સવારે ખબર આવ્યા કે પૂજાએ તેના કરોડપતિ બોસ સાથે ભાગીને લગ્ન કરી લીધા અને અમેરિકા ચાલી ગઈ.પ્રિયમ ખૂબ રડયો.મામી પણ દીકરા જેવા પ્રિયમની આ દશા જોઈ ભાંગી પડ્યા.પરીએ આવા સમયે બંનેની સાથે રહી તેમને હિંમત અને હૂંફ આપી. એવામાં એક દિવસ અજય મોડીરાત્રે એરપોર્ટ થી આવી રહ્યો હતો .જોરદાર પવનને વંટોળ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો.અંધારામાં ગાડી ખટારા સાથે અથડાઈ.ડ્રાઈવર તો ત્યાં જ મોતને શરણ થઈ ગયો.અજયને હોસ્પિટલમાં લાવ્યા.ખૂબ લોહી વહી ચૂક્યું હતું.સંજોગોવશાત પરી તેજ રાત્રે તેજ હોસ્પિટલમાં નાઈટ ડયૂટીમાં હતી.અજયને જોતા જ તેણે સુમી અને મોટા સ્પેશીયાલીસ્ટ ડોકટરને બોલાવી લીધા.સુમી અજયના બે બાળકોને લઈને હોસ્પિટલ દોડી આવી.આવીને જે જોયું તે જોઈને તેના આંખમાંથી અખંડ અશ્રુધારા વહેવા લાગી. એક પલંગમાં અજય પાટાપીંડી સાથે સૂતો હતો,અને બીજા પલંગમાં પરી પોતાનું લોહી અજયને આપી રહી હતી .બંનેનું લોહી ગ્રુપ એકબીજા સાથે મેચ થઈ ગયું હતું…… સુમી પરીને અને પછી અજયને પલંગ પર સૂતેલા જ વળગી પડી.સુમી અજયને માથા પર હાથ ફેરવતા બોલી”લોહીનો રંગ તો એકજ લાલ છે -દરેક માનવમાં એકજ લાલ રંગનું લોહી વહે છે .પારકું ને પોતાનું કોઈ નું લોહી અલગ નથી”આભારવશ લાગણીથી ,નજર ઝુકાવીને અજય પરીને અપલક …….પ્રેમભરી નજરથી જોઈ રહ્યો,અને પોતાના અમાનુષ વર્તન માટે પોતાની જાતને ધિક્કાર તો રહયો.