Uncategorized

વસમાં વળામણા

વસમાં વળામણા

વાત મોરબી ગામની છે.૧૯૭૯ ના ઑગસ્ટની બારમીના એ ગોઝારા દિવસે બારે મેઘ ખાંગા થયા… ને મોરબીમાં ચોવીસ કલાકમાં લગભગ પચ્ચીસ ઈંચ વરસાદ પડ્યો .મચ્છુડેમના પાણીના સ્તર ખૂબ વધવા લાગ્યા.. ને પાણી વધતા વધતા ડેમના નવાગામ ને જોધપુર બંને માટીના પાડા તૂટી ગયા.ત્રીસ ફૂટ ઊંચા સમુદ્ર મોજાએ મોરબીને પોતાના ભરડામાં લઈ તહસનહસ કરી નાંખ્યું.સંદેશા વ્યવહાર ઠપ્પ થઈ ગયો..મોરબીની હાલત જોઈ દરેકની મત મારી ગઈ ..લગભગ તેર હજાર અબોલ પશુઓ અને અસંખ્ય માનવોની જાનહાની થઈ. મોરબી આખેઆખુ કબરસ્તાન બની ગયું! મોરબીની હાલત જોઈ પૈસા,ઘરવખરી ,અનાજ અને ફૂડપેકેટસ આપવા બધા તૈયાર થઈ ગયા . કાદવકીચડ અને ધ્વસ્ત ઘરોના કાટમાળની સફાઈ કરાવવાનું કામ તો યુદ્ધના ધોરણે ચાલુ થયું .પણ વીજળીના થાંભલા પર ને ઘરોની અંદર ને બહાર લટકતી ને રઝળતી બેધણીયાત લાશોને કોણ ઠેકાણે પાડે? “જનસેવા એજ પ્રભુસેવા” ના મંત્ર સાથે જીવનાર અને યુવાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને દેશસેવાના જેણે શપથ લીધા હતા તેવા માણેકલાલે બધીજ લાશોને ઠેકાણે પાડવાની જવાબદારી ઉપાડી લીધી. સંઘના અનેક કાર્યકરો પણ તેમની સાથે જોડાયા.આ કામ નાનું સૂનું નહોતુ.
બાર દિવસ થયા પણ માણેકલાલના આપ્તજનોને તેમના કોઈ સમાચાર ન મળતા તેમના કુટુંબીઓ ગાડી લઈ મોરબી પહોંચ્યા.તેમના મુખેથી મોરબીની કરુણ દાસ્તાન સાંભળી બધાના હ્રદય રડી ઊઠ્યા ને આંખો ભીની થઈ ગઈ.
ખાદીનો સદરો ,ખાદીની ચડ્ડી,માથે આર.એસ.એસ ની ટોપી,પગમાં ઢીંચણ સુધીના ગમબુટ ને હાથમાં કોણી સુધીના હેન્ડગ્લોવ્ઝ પહેરીને સહન ન કરી શકાય તેવી દૂર્ગંધથી બચવા નાક અને મોં પર ખાદીનો રુમાલ બાંધી માણેકલાલ લાશોને કાદવ કીચડમાંથી બહાર કાઢી એક જગ્યાએ નજીકમાં જ ભેગી કરતાં…..આંખમાં ટપકતા આંસુ અને મુખમાંથી સતત ગીતાના શ્લોક ના ગાન સાથે અગ્નિદાહ આપતા……
નૈનમ્ છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનમ્ દહતિ પાવક:
ન ચ એનમ્ ક્લેદયન્તિ આપ:, ન શોષયતિ મારુત: ।
આમ ગીતાનું પઠન કરતા કરતા એક એક શબને હાથથી ખેંચવાની લારીમાં બીજા કાર્યકરની મદદથી ઊંચકીને મૂકતા જતા હતા અને દસ થી પંદર લાશ એક જગ્યાએ ભેગી થાય એટલે ઘરની બહાર જ તેના પર ખૂબ ઘાસલેટ કે પેટ્રોલ છાંટી તેને અગ્નિદાહ આપતા જતા.દરેક જીવ ઈશ્વરનો જ અંશ છે એ વાત તેમણે આત્મસાત્ કરેલ હોવાથી પોતાનો જ લાડકવાયો પુત્ર-પુત્રી,ભાઈ-બહેન કે માતા-પિતા હોય તેમ શબના કાનમાં ભગવાનનું નામ ફૂંકી ,પાંચ ફેરા પ્રદક્ષિણાના ફરી તેને અગ્નિદાહ આપતા હતા.બાર દિવસમાં છસ્સો થી સાતસો લાશ ને તેમણે અગ્નિદાહ આપ્યો.
બ્રાહ્મણવાડા,વાઘપરામંદિર,શાળાઓ ને ભોજનશાળામાં નીચાણવાળા જે વિસ્તારના લોકોને આશરો આપેલ તે તો એકસાથે સાંઇઠ સિત્તેર લોકોની લાશ હતી .જાન બચાવવા પોતાના ઘરબાર છોડીને અહીં આવેલ લોકો એ પાણી વધતા હોલના બારણા બંધ કરી દીધેલ પણ પાણીના ત્રીસ ફૂટ ઊંચા મોજાએ તેમને હોલની અંદર જ એકસાથે ધરબી દીધા.બહાર નીકળવા ફાંફાં મારતી તેમની હથેળીઓની છાપો હોલની ચારેબાજુ મોતના થાપા પાડી ગઈ …….કેટલાક કુટુંબો આખા નાશ પામ્યા તો કોઈ કુટુંબના સભ્ય પોતાના આપ્તજન ને હાંફળાંફાંફળા બની શોધી રહ્યા હતા.”વસુધૈવ કુટુમ્બકમ્” ના ભાવ જેની રગરગમાં વહે છે તેવા માણેકલાલ આવા અતિ હ્રદયદ્રાવક દ્રશ્યો જોયા પછી બાર દિવસથી જમ્યા નહોતા .તે બોલ્યા હતા તે શબ્દો હજી પણ કંપાવી જાય છે!!!. “તમારા કુટુંબી ને વળાવી ને તમે જમી શકો છો?”અને આતો અતિ વસમાં વળામણા છે. પાણીમાં રહીને વિકરાળ બની ગયેલ અને ફૂલીને ફદફદી ગયેલ બેજાન લાશોને ફંફોસીને પોતાના સ્વજન ને શોધતા ને કરુણ રુદન કરતા કુટુંબીને જોઈ ને તેમની ભૂખ મરી પરવારી હતી. રાતે સૂતા પહેલા મુઠ્ઠી ખારી શીંગ ખાઈ પાણી પી તે સૂઈ જતા. આવા કારમાં દ્રશ્યો જોઈ તેમની રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી….અગ્નિની પાસે સતત ઘાસલેટના ધુમાડાથી તેમનેા ગોરોવાન શ્યામ થઈ ગયો હતો ને દસ બાર પાંઉન્ડ વજન પણ ઉતરી ગયું હતું.
આ સાથે કેટલાક કુટુંબોમાં એકાદ બાળક કે વડીલ કે પત્નિ એકલા રહી ગયા હોય તેમને અને પોતાના સ્વજનની જીવવા માટે વલખા મારતી છેલ્લી ચિચીયારીઓ સાંભળી તેઓને મોતના મુખમાં જતા જોઈ હતપ્રભ થઈ ગયેલા અનેક લોકો ને સાંત્વના આપવાનું બહુ મોટું કામ પણ તેમણે એક લાગણીસભર વડીલ તરીકે સંભાળી લીધું હતું. પોતાના ધંધાપાણી ,ઘરપરિવાર છોડી મોરબી ને તેના લોકોને સહિયારો આપવા અદના દેશસેવકની ફરજ તેમણે નિભાવી હતી.અરે ! તે ઘેર પહોંચ્યા પછી જે ગંદકીમાં તેમણે આટલો લાંબો સમય વિતાવ્યો હતો તેથી એક મહિના સુધી તાવમાં પટકાયા હતા.
આત્મકલ્યાણ કરવા અને લોકોને ધર્મ સમજાવતા અનેક સંત કરતા પણ માનવસેવા કરનાર આ સંત શું મુઠ્ઠી ઉંચેરો નથી???
જિગીષા પટેલ
(સત્યઘટના પર આધારિત)