આજે નવો વિભાગ શરુ કરીએ છીએ ..વિભાગનું નામ છે “સંવેદનાના પડઘા” જે દર બુધવારે આપના સૌના માનીતા લેખિકા “જિગીષા પટેલ” લખશે.આવો પરિચય કરાવું.
જિગીષાબેન પટેલ
ઋણાનુબંધ કહો કે લેણદેણનો સંબંધ જિગીષાબેનની રાજુલબેને ઓળખાણ કરાવી, અને બસ મિત્ર થકી નવી મિત્ર મળી.એટલું જ નહિ મારા ઉદ્દેશને પુર્ણ કરવાં એક સાથ મળ્યો,મેં કહ્યું “ચાલો સાથે મળીને ભાષાને ગતિમય રાખશું” એક નિર્દોષ સ્મિત સાથે જિગીષાબેન બોલ્યા “હા, અમે તમારી સાથે છીએ”.
જિગીષાબેનનો જન્મ ગાંધીવિચાર શરણી ધરાવતા પરિવારમાં અમદાવાદમાં થયેલો. બાળપણથી જ મોટા ગજાના સાહિત્યકારો ,સમાજસુધારકો અને ધર્મધુરંધરેાના સતત સંપર્ક અને સત્સંગને કારણે સાહિત્ય ,આધ્યાત્મ અને સમાજસુધારણામાં ઊંડો રસ ધરાવતા થયા સેન્ટ ઝવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા. ફેશન, ફૂડ અને ફિલ્મ દરેક ક્રિએટીવ વસ્તુ એમને ખૂબ ગમે છે.અમદાવાદમાં પચ્ચીસ વર્ષ સુધી Nikki’s નામથી બુટિક ચલાવ્યું છે.બાળકો અમેરિકામાં સ્થાયી થયા હોવાથી છેલ્લા દસ વર્ષથી અમેરિકામાં બે એરિયામાં રહે છે પણ ગુજરાત અને ગુજરાતી ભાષા તેમના વહે છે . બેઠકના નિયમિત સભ્ય બન્યા બધાની સાથે લખવાની પ્રવૃત્તિ શરુ કરી મારુ કામ માત્ર એને પ્રોત્સાહન આપવાનું બન્યું ,વિચાર તો હતા સાહિત્ય વાંચ્યું હતું એટલે કલમ ચાલવા માંડી, સ્વભાવે સરળ એવા જિગીષાબેનની ભાષા તો સરળ છે,સાથે એની મૌલિકતા એનું બળ છે અને સંવેદના પણ તમારા મારા આપણા જેવી જ છે.જિંદગીમાં જે જોયું અનુભવ્યું અને સ્પર્શી ગયું બસ તે કલમમાં ઉતારી મુકવા મંડ્યા રાજુલબેને સાથ આપ્યો,અને કલમે નિજાનંદ સર્જ્યો ,કોઈએ કહ્યું છે ને કે સુખની સંગત માણવા કોઈ પોતીકું નથી રહેતું અને નથી રહેતું પારકું, બસ સંગતમાં પ્રત્યેક પળ બની જાય ઉત્સવ, મોસમ ખીલે,અને શબ્દો ફૂલ બની સંવેદના સમર્થન આપે અને રચાય છે “સંવેદના પડઘા” જિગીષાબેનનો પોતાનો પોતીકો અવાજ છે.જે સ્પર્શે છે એ લખે છે અને વાતો કહેતા કહેતા વાર્તા રચાય છે.
’બેઠક’ના આયોજક -પ્રજ્ઞા દાદભાવાળા
વિષય પરિચય- “સંવેદનાના પડઘા”
વાત જયારે વાર્તા બને તો શું થાય ?પછી ભલે તે દાદાજીની વાતો હોય ,જાતક કથા હોય, પંચતંત્રની કથા કે દક્ષિણ ભારતની બુર્રા કે બિલ્લુ પાતુની હોય. અથવા તો પછી તે ઇન્ટરનેટ કે ડિજિટલ મીડિયા મારફતે જાણવા મળતી આપણા જમાનાની આપણી પોતાની ‘YourStory’ની હોય. વાતો અને વાર્તા માનવીનું હિમોગ્લોબીન છે.આપણે જેને હિમોગ્લોબીન કહીએ છીએ તે લોહતત્વ (આર્યન)નું બનેલું હોય છે. બાળક ગર્ભાશયમાં હોય ત્યારથી તેના વિકાસમાં લોહતત્વ અગત્યનો ભાગ ભજવે છે. ગર્ભસ્થ બાળકના શરીરના બધાજ અંગોનો શ્રેષ્ઠ વિકાસ માતાના હિમોગ્લોબીનના પ્રમાણ પર આધારિત હોય છે. તેજ રીતે વાર્તાનું મહત્વ છે.જિંદગીના બનતા પ્રસંગો વાતો બની વાર્તા રૂપે વહેતી થાય છે. જીવનમાં વાર્તા માનવ જીવનમાં અનેક રંગોનું પ્રતિનિધિત્વ કરે છે.
આ વાર્તા શું છે ? વાર્તા માનવીની સંવેદના પડઘા છે, વાર્તા સર્જન છે, વાર્તા પડછાયો છે, વાર્તા પ્રતીતિ છે,વાર્તા હકીકત છે, વાર્તા અનુભવ છે,.વાર્તા પ્રસંગ છે ,વાર્તા વર્ણન છે,વાર્તા લાગણીનો સંબંધ છે,અંદરનો અવાજ છે,વાર્તા કોઈની અંગત જિંદગી છે,વાર્તા વિચાર છે. વાર્તા યાદો છે.વાર્તા પ્રવાસ છે ,વાર્તા વર્ણન છે કુદરતનું સૌંદર્ય છે. વાર્તા રસ છે, વાર્તાની આંખોએ નિર્દોષતા માણીએ છીએ .મન બાળક બની વાંચે છે વાર્તા આપણને આંગળી પકડીને અમુક દ્રશ્યો તરફ ખેંચી જાય છે. કેટલીક સંવેદનાઓ આપણા મનને ઝણઝણાવી જાય અને તેમાંથી‘પારિજાતનું ફૂલ’ખીલે છે. વાતોથી વાર્તા બને છે જીવનના પ્રસંગો વાર્તા સર્જે છે. એને શોધવા કે શીખવા જવું પડતું નથી, વાત તમારી છે મારી છે આપણી છે જિગીષાબેનની છે.હા હવેથી આપણા બ્લોગ પર દર બુધવારે જિગીષાબેનની કોલમને માણશું જે “સંવેદનાના પડઘા” લઈને આવશે,જિગીષાબેન જે સમયમાં જીવે છે એ સમયગાળાને પૂરોપૂરો સમજીને અને તેને આત્મસાત કરીને તેમાં જે કંઇ પણ બને છે તેને અનુભવીને પકડવાનો પ્રયાસ કર્યો છે . એટલેકે સાંપ્રતની કેટલીક ક્ષણોને પકડવાનો અને એ સંવેદનોને ભાવક સુધી પહોંચાડવાનો આ એમનો પ્રયત્ન છે.