Uncategorized

મને પણ…

મોહનભાઈના ત્યાં દીકરાના લગ્નમાં સૌ કોઈ સંગીત ,શરણાઈ અને ઢોલ -નગારા ના તાલે ઝૂમી રહ્યા હતા. વર અને કન્યા પક્ષની બહેનો સામસામે ફટાણા ગાઈ રહી હતા. જાતજાતની મીઠાઈઓ ને ભાતભાતના પકવાનો ની સુગંધ ચારે બાજુ રેલાઈ રહી હતી. બધા જાનૈયા અને કન્યાપક્ષના લોકો લગ્નની મઝા માણી રહ્યા હતા.એટલામાં જ હેમંત ,મોટાભાઈનો ખાસમિત્ર એ સોનાને કીધું “સોના મારો કોટ ઉતારા પર રહી ગયો છે ,મને જરા લાવી આપીશ?” સોના મોહનભાઈના બીજા નંબરના દીકરાની સાળી હતી . તે પણ લગ્ન માટે બહેનને ત્યાં મુંબઈ થી આવી હતી.મુંબઈમાં પેડલરોડ પર રહેતી સોના લગ્ન માટે તૈયાર થયેલી ટકાટક લાગતી હતી. સોના હેમંતભાઈ નો કોટ લેવા ઉતારાના રુમમાં ગઈ ને જેવો કોટ ખૂંટીએ થી ઉતારી ને ઊંધી ફરી તો આ શું??? હેમંતભાઈ તેની પાછળ જ રૂમનું બારણું આડું કરીને તેની લગોલગ જ બાહો ફેલાવીને ઊભા હતા.મોટાભાઈ જેવા હેમંતભાઈને આમ ઊભેલા જોઈ સોના સાવ ડઘાઈ ગઈ!!!!
હેમંતભાઈ કહે “ સોના તું આજે બહુજ સુંદર લાગે છે,મને તને એક કીસ કરવા દે “કહી ,સોનાને બાહુપાશમાં લેવા નજીક આવ્યા ,ત્યાં તો આશ્ચર્યચકિત થયેલી,ખૂબ ગભરાઈ ગયેલી ને ગુસ્સાથી લાલચોળ થયેલ સોનાએ ચણીયાચોળી પહેર્યા હોવા છતાં ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જોરથી હેમંતને બે લાફા મારી, ધક્કો મારી નીચે પાડી દીધો.હેમંત હજુ કંઈ વિચારે તે પહેલા પોતાની હીલવાળી ચંપલ તેના મોં પર ફેંકી ને બારણાંને ધક્કો મારી, જાન બચાવતી ………..લગ્નના ભારે ચણીયાચોળીને ઊંચા પકડીને ચંપલ વગર એકીશ્વાસે ભાગી…….એકસાથે અનેક વિચારો સાથે દોડતુ તેનું મન સુન્ન થઈ ગયું હતું.ગુસ્સા ને ભય થી તે થરથર કાંપતી હતી. પોતાના બનેવી ના મોટાભાઈ જેવા વડીલના આવા વર્તનથી તે ડઘાઈ ગઈ હતી.દોડતી મંડપમાં જઈ તે ખૂણામાં એક ખુરશી પર બેસી ગઈ,એની છાતી હજુ ધમણની જેમ ચાલતી હતી.તેને શું કરવું તે સમજાતુ નહોતુ!! બધા લગ્નની મઝા લઈ રહ્યા હતા.બધાં જાનૈયા જ્યારે જમવાની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે તેને ખૂબ ભાવતી મીઠાઈ પણ ગળે ઊતરતી નહોતી.ઉચાટભર્યા મન સાથે તેણે લગ્ન પતાવ્યું.સૌ ઘેર પહોંચ્યા.
લગ્નમાંથી પરવારીને રાત્રે બધા સૂવા ગયા ત્યારે ઘરમાં અનેક મહેમાન હોવાથી બધા બહેનો એકસાથે ને ભાઈઓ બીજા રુમમાં એવી સૂવાની સગવડ કરી હતી.બધા થાકેલા હતા પણ સોના પાસા ફેરવતી હતી.મોટીબેને સોના ને પૂછ્યું “કેમ આજે તને ઊંઘ નથી આવતી ?તબિયત તો સારી છે ને? હવે સોનાએ બધી હિંમત એકઠી કરીને બહેનને બધી વાત કરી જ દીધી. મોહનભાઈને ચાર દીકરા ને બે દીકરીઓ હતી.હેમંતભાઈ તેમના સૌથી મોટાભાઈનો ખાસ મિત્ર અને પાંચમા દીકરા જેવો.કુટુંબના નાનામોટા દરેક પ્રસંગમાં આગળ પડીને બધું કામ એજ કરે.સોના કોલેજના પહેલા વર્ષમાં ભણતી અઢાર વર્ષ ની દીકરી અને હેમંતભાઈ પચાસ વર્ષના વડીલ ,આવા મોભાદાર વ્યક્તિ અંગે કંઈ કહેવું ખૂબ મુશ્કેલ હતું .પણ સોના એ પણ નહિ ધારેલ તેવું બન્યું.!!!!!
જેવી સોનાએ મોટીબહેન ને વાત કરી તો મોટી બહેન પથારીમાં બેઠી થઈ ગઈ !!.તેની બે નણંદ પણ તેની બાજુમાં જ સૂતી હતી તેના દેખતા વાત કરતાં મોટીબેન પહેલા તો ગભરાઈ પણ નાનીબેન ની હિંમત જોઈ તેણે પણ કીધું કે” મને પણ”…………તે થોડીવાર અટક્યા પછી કહે “ હેમંતભાઈ લગ્ન માટે રાજકોટથી દસ દિવસ પહેલા આવ્યા ત્યારે મારા હાથમાં તેમની બેગ આપી અને ઉપર ત્રીજેમાળ તેમના રુમમાં મૂકવા કીધુ.  હું બેગ મૂકીને પાછળ ફરવા ગઈ તો મને પણ તેમણે તેમની બાથમાં લઈ લીધી હતી ને મને કહે “તું મને બહુજ ગમે છે.” ને ત્યાં જ સીડીમાં ભાઈનો ચડવાનો અવાજ આવ્યો એટલે તે ધાબાની સીડી ચડી ગયા.લગ્નના આટલા કામમાં તારા બનેવી ને આ વાત કરવાની મારી હિંમત જ ન ચાલી.આટલી વાત સાંભળતા જ બહેનની નાની નણંદ રીના જે સોના જેટલી જ હતી તે પણ બેઠી થઈ ગઈ.તે સાવ ઢીલી એટલે પહેલા તો જોર જોરથી રડવા લાગી પછી ભાભીએ શાંત રાખી શું થયું પૂછ્યું તો કહે”મને પણ “ ………….પછી કહે”ભાભી મંડપ મુહૂર્ત ના દિવસે ચાર વાગે ઊઠેલા ,ઘરમાં આટલા મહેમાન ને લીધે હું બપોરે મારા રુમમાં ખાલી બારણું આડું કરી ને સૂઈ ગઈ હતી .થાકને લીધે આંખ મળી ગઈ હતી.થોડીવારમાં મારી રજાઈ ખેંચાઈ,હું ભર ઊંઘમાં હતી.હેમંતભાઈ મારી રજાઈમાં આવીને પાછળથી મારી છાતી પર તેમના બે હાથ રાખી………મને જોરથી ભીંસીં નાંખી ………. ઓ ….મા…..કરીને હું જોરથી ચીસ પાડવા ગઈ ત્યાં તો જોરથી મારું મોં દબાવી દીધું અને મને કહે “લગ્ન ના ટાઈમે ભવાડા ના કર જો કેટલા મહેમાન છે !!!”ને હું ચૂપચાપ ત્યાંથી માના રુમમાં દોડી ગઈ.બે ત્રણ કલાક રુમ બંધ કરીને અવાચક બેસી રહી.હું કંઈ બોલીશ તો ભાઈ ના લગ્ન બગડશે એમ સમજી ચૂપ રહી.ભાભી સોના જેટલી હિમંતવાળી પણ હું નથી.
સોના તો આ બંનેની વાત સાંભળી ધૂંવાપૂંવા થઈ ગઈ.અત્યારે જ હું આનો ફેંસલો લાવું છું કહેતી ઊભી થઈ ગઈ. રણચંડી ની જેમ ગુસ્સાથી લાલપીળી થઈ “હું અત્યારે જ મોહનદાદા ને મોટાભાઈને ઉઠાડું છું ને આ હેમંતને હમણાં જ ઘરની બહાર કઢાવી તેના કારસ્તાનનો પરદો ફાડું છું.આમ સજ્જન નો આંચળો ઓઢીને ઘરની જ વહુ દીકરીઓ પર મોં મારતા આ નરાધમ માણસ ના વર્તનને આપણે કેમ સાંખી લઈએ? મોટીબેને તે વખતે તેને શાંત પાડી કહ્યું”કાલે પગ ફેરાની રસમ કરી નવા ભાભી પિયર જાય પછી વાત. “આમ કહી નાનીબેન ના માથે હાથ ફેરવી તેને સુવાડી.
બીજા દિવસે પગફેરા ની વિધિ સવારમાં નવ વાગતા જ પતી ગઈ .સોનાના મન ને તો જરાપણ ચેન નહોતુ. જેવા વેવાઈના ઘરના લોકો ગયા કે સોનાએ ચારે ભાઈઓ ,ભાભીઓ,બહેનો મોહનદાદા,દાદી ને બધા ઘરમાં હતા તે મહેમાનોને પણ દિવાનખાનામાં બોલાવ્યા.સૌ સાથે હેમંતભાઈ પણ આવીને બેઠા અને ત્યાં તો સોનાએ હેમંતભાઈ ને કોલરે થી પકડીને ખેંચીને મોહનદાદા ને મોટાભાઈ બેઠા હતા તે તરફ હડસેલ્યા.હેમંતભાઈ તો અવાચક થઈ ગયા.સોનાએ તો બધાની વચ્ચે બનેલી બધી હકીકત પોતાની સાથેની,મોટીબેન સાથેની અને રીના સાથેની દાદા ને મોટાભાઈ ને કીધી. દાદા ને બધા ભાઈઓનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો.રીમા ઊભી ઊભી રડી રહી હતી.હેમંત અચાનક ન કલ્પેલું બન્યું હોવાથી ગભરાઈ ગયો હતો.મોહનદાદા જેને પોતાનો પાંચમો દીકરો ગણતા હતા તેણે આવું વર્તન કર્યું તેથી તેને ઊભા થઈ ત્રણ ચાર તમાચા લગાવી દીધા.મોટાભાઈ ગુસ્સામાં તેને ગડદાપાટુ કરવા લાગ્યા.આખુ ઘર તેની પર તૂટી પડ્યું.જેને ઘરનો માણસ ગણ્યો હતો તેણે ઘરની જ વહુ- દીકરીઓ પર નજર બગાડી.સમાજમાં ફરતા આવા નરાધમોને લોકો સમક્ષ ઉઘાડા પાડી તેમને કેવી રીતે તેમના ગુનાની સજા આપવી????
જિગીષા પટેલ
(સત્યઘટના પર આધારિત)