Real stories

Sawariyo

    કવિશ્રી  રમેશ પારેખ નું ખુબ જાણીતું અને ખુબ ગવાયેલ સૌને ગમતું ગીત એટલે સાંવરિયો। સરળ ભાવાર્થ માં સમજીએ તો પ્રીતમ ના પ્રેમથી અભિભૂત થયેલ પ્રિયતમા નુ પોતાના વ્હાલમ ના વ્હાલ નું હૃદયસ્પર્શી વર્ણન છે.પિયુ ના પ્રેમમાં ઓળઘોળ થયેલ પ્રિયા સ્વર્ગના સુખનો અનુભવ કરી રહી છે। પ્રેમ ની પરાકાષ્ટા ની અનુભૂતિ થતા તે આસમાનમાં ઉડી રહી છે.પોતાના સાંવરિયો તેને પ્રેમમાં પાગલ કરીદે છે.અને પ્રેમાનંદમાં રસતરબોળ પ્રેમિકા કહે છે કે મારો સાંવરિયો તો હું ખોબો માંગુ  ને મને અખૂટ દરિયા જેટલો પ્રેમ દઈ દે છે.સોળ  વર્ષની મુગ્ધાવસ્થા માં દરેક સ્ત્રી પુરુષ પહેલા પ્રેમમાં પડે છે ત્યારે બધાજ આ પ્રેમ ના સ્પન્દન અનુભવે છેખરું ને?વહાલાંનો પ્રેમ તેને સાતમા આસમાનમાં પહોંચાડી દેછે પ્રેમ રૂપી અત્તરથી તે લથબથ ભીંજાઈ જાય છે.તેને જીવતર  ગુલાબી ગુલાલ જેવું લાગે છે ને વ્હાલમ જ સર્વશ્રેષ્ઠ નાણું  લાગે છે.હૃદયમાં પ્રેમ ના ટહુકાથી તેનું રોમ રોમ નાચી ઉઠે છે.તેની દુનિયા પિયુ થી શરુ થઈ પિયુ સાથે જ પુરી થાય છે અને એટલે જ એનું ઘર પણ તેને વ્હાલમની બાથ ભરે તેટલું  લાગે છે.છબીલા ,બાવરિયાં  સાથે ગાળેલી રોમાંચિત ઉન્માદ ભરી રાતોથી એની આંખો લાલ થઈ જાય છે.આ ગીત બધાનું ગમતું છે કારણ પ્રથમ પ્રેમમાં સાવરિયો બધાને આવો જ લાગે છે પણ તેno rasaswad તો રમેશભાઈ જેવા કોઈ શ્રેષ્ઠ કવિ જ કરાવી શકે.!!!

     

   હવે જરા આપણે તેના ગુઢાર્થ પર નજર કરી એ તો આ ગીત સાંવરા એટલે શામળિયા શ્રી કૃષ્ણ ને સંબોધી ને કવિએ વ્હાલથી સજાવ્યું છે.કૃષ્ણપ્રેમની પ્રતીતિ  અલોકિક છે.કવિ કૃષ્ણપ્રેમનું દર્શન કરાવતા  ગદગદિત થઈ જાય છે ને સાચું જ કહે છે કે હું તો મારા સાંવરા  સલોના પાસે ખોબો માંગુછું ને તેતો દરિયા જેટલું અધધ આપી દે છે.!!!સાચેજ સૃષ્ટિનું સર્જન કરીને સર્જનહારે આપણને શું નથી આપ્યું?ચાંદ,સુરજ ને તારા ભરેલ આસમાન ,રંગબેરંગી ફૂલ ફળ થીભરપુર વૃક્ષો અને હરિયાળા પર્વતોની હારમાળા  ,લહેરાતો સાગર ને કલરવ કરતા પક્ષીઓ ,માતાપિતા ,ભાઈબહેન,મિત્રો ને પ્રિયતમ નો અખૂટ પ્રેમ। સાંવરિયા ના પ્રેમ માં ભીજાયેલ કવિ અવર્ણનીય  આનંદ ની અનુભૂતિ કરે છે.કૃષ્ણ તો આમ પણ નિરાળો છે.એકવાર તમે એને તમારું સર્વસ્વ સોંપી દીધું પછી તમે તેનામાંજ સમાઈ  જાવ છો। 

     

     કૃષ્ણ ના વ્હાલમાં રાધા ,મીરા,નરસિંહ,સુરદાસ,ગોપીઓ ને આખું ગોકુલ કોણ ઘેલું નથી થયું?કવિ કહે છે તેના પ્રેમ રૂપી અત્તર નું એક ટીપું જ અંતર માં પડતાજચારે કોઠે દિવા પ્રગટી જાય છે.જીવ પરમસુખ નો પરમાનંદ નો અનુભવ કરે છે.આ આનંદ વર્ષા ની  હેલી થી લથબથ ભીંજાઈ જવાય છે.અહીં આત્મા ને પરમાત્મા સાથે ના પરમ મિલન ની વાત છે.કૃષ્ણ નામરૂપી નાણું  મળે પછી કોઈ ધન ની જરૂર નથી રહેતી।એટલે જ તો મીરાંએ ગાયું “પાયોજી મૈને રામરતન ધન પાયો  “અને આ નાણું મળ્યા પછી જીવતર ધન્ય થઈ જાય છે.જીવન મેઘધનુષ્ય ના રંગો થી રંગાઈ  જાય છે.ખાલી હૃદયમાં જયારે તેના પ્રેમના પ્રાગટ્યનો ટહુકો થાય છે ત્યારે આખી કાયનાત આપણામાં સમાઈ  ગઈ હોય તેમ લાગે છે તેને શબ્દો  દ્વારા બયાં કરવી નામુમકીન છે!!

     

     “કોઈ પૂછે કે ઘર  તારું કેવડું ? મારા વ્હાલમજી બાથ ભરે  એવડું “અહીં કવિ ની કલ્પના આસમાનને આંબી જાય છે.સાંવરા ની  બાથમાં તો આખા બ્રહ્માંડ નો સમાવેશ થયો છે એટલે સમસ્ત સૃષ્ટિ એક કુટુંબ થઈ ગયું।આતો થઈ “વસુધૈવ કુટુંમ્બક્મ “ની વાત ,કેવી અદભુત કલ્પના ! જયારે જગતના સર્વે લોકો આપણા જ થઈ જાય તો સર્વત્ર પ્રેમ  પ્રેમ જ રહે.આમ સહજ રીતે વેદ ને ઉપનિષદ ની ભાષા સમજાઇ  દીધી છે.પરમતત્વ સાથે ઐક્ય  સધાઈ જાય પછી તો વાત જ શી કરવી। પ્રેમ બાણ વાગ્યા હોય તેજ જાણે।આ પ્રેમરસ પીવા જ નરસિંહ મહેતા કહે છે મારે મોક્ષ નથી જોઈતો હું તો માંગુ જન્મો જન્મ અવતાર। સાક્ષાત્કાર  ની અનુભૂતિ માં રાતોની રાતો ક્યાં પસાર થઈ જાય છે તેનું ભાન નથી રહેતું। આથીબાવરા સાથે ના ઉજાગરા  પણ મીઠા લાગે છે.આવા પરમ તત્વ સાથે ના પ્રેમ ને વ્હાલ ની વાત  આટલી રસિકતાથી કોણ વર્ણવી શકે?

      દુન્યવી રીતે જોઈએ તો  પ્રિયતમા સાથે ના પ્રીતમ ના પ્રેમ માં સુખ ને આનંદ નો અનુભવ થાય છે પણ તે ક્ષણિક છે.પરંતુ સાંવરિયા સાથે  સાધેલ ઐક્ય  અવિનાશી  ,અનંત છે.એટલે તો આપણા કવિ મુકેશ જોશી પણ કહે છે 

           

                                         જપુ  તો જપુ  કૃષ્ણના નામ જાપો ,હવે આ નયન માં ફક્ત કૃષ્ણ વ્યાપ્યો 

                                          મળે વાંસળી સુર એકાદ રાતો અને કૃષ્ણની સાથ હો જન્મ નાતો 

        

          

      આમ મને  અને   સૌ  ને  રોમાંચિત કરતા આ ગીત ને શ્રેષ્ઠ ગાયકો એ સુંદર સ્વરોથી ગાયું છે.તેનો સરળ ભાવાર્થ ને ગુઢાર્થ  મન ને અભિભૂત કરી દે છે.

 

D0F2165D-F6C0-4B06-89E6-362AE0244BA0-1-2048x1536-oriented.png